July 5, 2024

IND vs ZIM: ભારતીય ટીમનું ઝિમ્બાબ્વેમાં ઉષ્માભર્યું સ્વાગત, અહીં જુઓ સંપૂર્ણ શિડ્યૂલ

India vs Zimbabwe: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પોતાના પ્રથમ પ્રવાસ માટે ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમને ઝિમ્બાબ્વેમાં પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. જોકે, ટી-20 ટીમમાં ટી-20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેનાર કોઈપણ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રિંકુ સિંઘ, શુભમન ગિલ, અવેશ ખાન અને ખલીલ અહેમદ, જેમને ટી-20 વર્લ્ડ કપ 2024 માટે બેકઅપ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેઓ ઝિમ્બાબ્વે પ્રવાસનો ભાગ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટે ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સ્વાગતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ભારતીય ટીમ આ પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી શુભમન ગિલની કેપ્ટન્સીમાં રમશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયા આજે સ્વદેશ પરત ફરી રહી છે.

ભારતીય ટીમે 29 જૂને બાર્બાડોસમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હરિકેન બેરીલના કારણે બાર્બાડોસના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે ભારતીય ખેલાડીઓ પણ ત્યાં અટવાઈ ગયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. જેના કારણે ભારતીય ટીમની સાથે ટી-20 વર્લ્ડ કપ 2024 કવર કરવા ગયેલા પત્રકારો પણ પરત ફરી રહ્યા છે.

ટી-20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને ટી-20 ટીમનો પૂર્ણ સમયનો કેપ્ટન બનાવવામાં આવશે. આ સિવાય ટી-20 વર્લ્ડ કપ 2024ની સાથે જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. વીવીએસ લક્ષ્મણ મુખ્ય કોચ તરીકે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયો છે. જોકે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બનશે.

ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસનું સંપૂર્ણ શિડ્યૂલ
1લી ટી-20 ઈન્ટરનેશનલ, 6 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય, 7 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
3જી ટી-20 આંતરરાષ્ટ્રીય, 10 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
4થી ટી-20 ઈન્ટરનેશનલ, 13 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
પાંચમી ટી-20 આંતરરાષ્ટ્રીય, 14 જુલાઈ, હરારે સ્પોર્ટ્સ ક્લબ, સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પ્રથમ બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, સાઈ સુદર્શન, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ, જીતેશ શર્મા, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, હર્ષિત રાણા.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે છેલ્લી ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.