December 27, 2024

IND vs SL: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરબદલ, આટલા ખેલાડીને મળશે આરામ!

Ind vs SL 2024: ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં 4-1થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ ટીમમાં એક બદલાવ નિશ્ચિત છે. બીસીસીઆઈએ ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપી હતી. તેના નેતૃત્વમાં ભારતીય ટીમને પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમે ચારેય મેચ જીતી લીધી. આ પ્રવાસમાં હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, રિષભ પંત જેવા ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો.

ભારતનો કાર્યક્રમ
હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે જ્યારે બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 28 અને 30 જુલાઈએ રમાશે. ત્રણેય મેચ પલ્લેકેલેમાં રમાશે.

શું પંડ્યાને કેપ્ટનશીપ મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિરીઝ માટે હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. સાથે જ સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ, જેઓ ભારતને ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનારી ટીમનો ભાગ હતા તેમની વાપસી થઈ શકે છે. જ્યારે મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને રિષભ પંતને આરામ આપવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, BCCI આ ખેલાડીઓને વધુ થોડા દિવસો માટે આરામ આપવાનું વિચારી રહ્યું છે અને અન્ય યુવા ખેલાડીઓને અજમાવી શકે છે.

આ પણ વાંચો: ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં ક્રૂના 16 સભ્યો ગુમ, 13 ભારતીયો પણ સામેલ

પંડ્યાએ 16 મેચમાં કેપ્ટનશીપ સંભાળી છે
હાર્દિક પંડ્યાએ ટી-20 ઈન્ટરનેશનલમાં 16 મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. તેના નેતૃત્વમાં ટીમે 10 મેચ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ એક મેચ ટાઈ થઈ છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયેલા આ ખેલાડીઓ પરત ફરશે
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સસામન, રિંકુ સિંહ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, શિવમ દુબેને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમને શ્રીલંકા સામે પસંદ કરી શકાય છે. આ ખેલાડીઓએ ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

હર્ષિત રાણાને તક મળી શકે છે
ત્યાં જ કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર બોલર હર્ષિત રાણાને 15 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે. આ વર્ષે IPLમાં તેણે પોતાની ઘાતક બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. KKR માટે રમાયેલી 13 મેચોમાં તેણે કુલ 19 વિકેટ લીધી હતી. તે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમ માટે IPL 2024માં ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી માટે ભારતની સંભવિત ટીમ
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા.