IND vs PAK ACT: ભારતે પાકિસ્તાનને 2-1થી રગદોળ્યું, ટીમ ઈન્ડિયાની સતત પાંચમી જીત
IND vs PAK ACT: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. હરમનપ્રીત સિંહની ટીમ ઈન્ડિયાએ શનિવારે પૂલ સ્ટેજની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીતે બંને ગોલ કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારતની આ સતત પાંચમી જીત હતી. ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
ભારતે તેની પ્રથમ મેચમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતીય ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ સાથે જ ચોથી મેચમાં હરમનપ્રીતની ટીમે ચીનને 3-0થી હરાવ્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 21 ગોલ કર્યા છે, જ્યારે ચાર ગોલ ગુમાવ્યા છે. ભારતના ડિફેન્સે શાનદાર કામ કર્યું છે. આ ટુર્નામેન્ટમાં હરમનપ્રીતે પાંચ અને અરાઈજીત સિંહે ત્રણ ગોલ કર્યા હતા.
ભારત 2016થી પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી
હોકીમાં ભારતીય ટીમ છેલ્લે 2016 માં દક્ષિણ એશિયન ગેમ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. ત્યારથી ભારતીય હોકી ટીમ બંને ટીમો વચ્ચે રમાયેલી 17 મેચોમાંથી 15 જીતવામાં સફળ રહી છે જ્યારે બે મેચ ડ્રો થઈ હતી. આ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે તેની તમામ લીગ મેચો જીતીને અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.