IndiGoને ઇન્કમટેક્સ વિભાગે 944 કરોડનો દંડ ફટકાર્યો, આદેશને કાયદાકીય રીતે પડકારશે

IndiGo Income Tax Penalty: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ આવકવેરા વિભાગ 944 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે એરલાઇન્સે આ દંડને ખોટો ગણાવતા કહ્યું છે કે, તે આ આદેશને કાયદેસર રીતે પડકારશે. એરલાઇનની પેરેન્ટ કંપની, ઇન્ટરગ્લોબ એવિએશનને શનિવારે આવકવેરા વિભાગ તરફથી દંડની નોટિસ મળી હતી.
રવિવારે એક નિયમનકારી ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, આ દંડ આકારણી વર્ષ 2021-22 માટે હતો. કંપની માને છે કે, આ આદેશ કાયદા અનુસાર નથી. ઈન્ડિગોએ પણ આ આદેશને ખોટો ગણાવ્યો છે. ઇન્ડિગોએ ખાતરી આપી છે કે, તે દંડ સામે કાનૂની કાર્યવાહી કરશે. ભારે દંડ હોવા છતાં ઇન્ડિગોએ સ્પષ્ટતા કરી છે કે, આ આદેશની તેના નાણાંકીય, કામગીરી અથવા એકંદર વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં.
કંપની પડકારોનો સામનો કરી રહી છે
આ દંડ એવા સમયે લાદવામાં આવ્યો છે કે, જ્યારે ઇન્ડિગો પહેલેથી જ નાણાંકીય પડકારોનો સામનો કરી રહી છે. નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ઇન્ડિગોનો ચોખ્ખો નફો 18.6 ટકા ઘટ્યો છે. આ સમયગાળા દરમિયાન એરલાઇનની આવક એક વર્ષ પહેલાંના રૂ. 2,998.1 કરોડથી ઘટીને રૂ. 2,448.8 કરોડ થઈ ગઈ છે. આ ઉપરાંત ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કાર્યકારી ખર્ચ 20 ટકા વધીને રૂ. 20,466 કરોડ થયો છે. તેના કારણે કંપનીના નફા પર અસર પડી છે.
માર્કેટ શેર 63.7 ટકા
ડીજીસીએના માસિક પેસેન્જર ટ્રાફિક રિપોર્ટ અનુસાર, ઇન્ડિગો 63.7 ટકા માર્કેટ શેર સાથે દેશની સૌથી મોટી એરલાઇન છે. ફેબ્રુઆરી 2025માં આ બજેટ એરલાઇનમાં 89.40 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. ઇન્ડિગો પછી એર ઇન્ડિયા ગ્રુપનો નંબર આવે છે, જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરીમાં ટાટા ગ્રુપની એરલાઇનમાં 38.30 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જેનાથી એરલાઇનનો બજાર હિસ્સો 27.3 ટકા થયો હતો. અકાસા એર 6.59 લાખ મુસાફરોને વહન કરે છે અને એરલાઇનનો માર્કેટ શેર 4.7 ટકા હતો. સ્પાઇસજેટમાં 4.54 લાખ મુસાફરોને ઉડાન ભરી હતી અને એરલાઇનનો માર્કેટ શેર 3.2 ટકા હતો.