ઉત્તરાખંડમાં બંગાળ જેવી ઘટના: બળાત્કાર બાદ નર્સની હત્યા, આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ

Nurse brutally murdered after Rape: નર્સ પર બળાત્કાર અને હત્યા કરવાના આરોપમાં પોલીસે ઉત્તર પ્રદેશના એક મજૂરની ધરપકડ કરી છે. આરોપીનું નામ ધર્મેન્દ્ર છે અને તે બરેલીનો રહેવાસી છે. 30 જુલાઈની રાત્રે નર્સ હોસ્પિટલમાંથી પરત ફરી રહી હતી, ત્યારે તેણે નર્સ સાથે બળાત્કાર કર્યો અને તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી લીધો છે. તેમજ આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો છે.
પીડિતા પણ ઉત્તર પ્રદેશની રહેવાસી હતી. તે ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. ઘટનાના બીજા દિવસે જ્યારે પીડિતા ઘરે ન પહોંચી ત્યારે તેની બહેને પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી તો એક સપ્તાહ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં નર્સની લાશ મળી હતી.
ઉધમ સિંહ નગરના વરિષ્ઠ એસપી મંજુનાથ ટીસીએ કહ્યું કે, 30 જુલાઈના રોજ અમને એક મહિલાના ગુમ થવાની ફરિયાદ મળી હતી, જ્યારે અમે તેને શોધવાનો પ્રયાસ કર્યો તો અમને ખબર પડી કે તે ઉત્તર પ્રદેશમાં તેના ગામ પહોંચી ગઈ છે, ત્યારે અચાનક 8 ઓગસ્ટના રોજ આ જ વિસ્તારમાં એક ખાલી પ્લોટમાં મહિલાની લાશ પડી હોવાની માહિતી મળી હતી. તપાસમાં આ લાશ ગુમ થયેલી મહિલાની હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન અમને માહિતી મળી કે મહિલાનો ફોન રાજસ્થાનમાં હોવાની જાણકારી મળી હતી. તમામ પ્રકારના ટેકનિકલ અને સીસીટીવી પુરાવાના આધારે અમને જાણવા મળ્યું કે ધર્મેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ મહિલાનો પીછો કરી રહ્યો હતો. આ ઘટના ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં બની હતી જ્યારે મહિલા નર્સ હોસ્પિટલમાંથી કામ પૂરું કરીને પોતાના ઘરે પરત ફરી રહી હતી. તેના આધારે પોલીસે રાજસ્થાનથી દૈનિક મજૂરી તરીકે કામ કરતા આરોપીની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ જાણવા મળ્યું કે આરોપી ડ્રગ્સનો વ્યસની હતો અને તે મહિલાને ઓળખતો ન હતો. ઘટનાની રાત્રે તેણે એક મહિલાને એકલી જતી જોઈ હતી. એસએસપીએ જણાવ્યું કે મહિલા સાથે તેની દલીલ પણ થઈ હતી. આ પછી તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા કરતા પહેલા તેણે મહિલા સાથે બળાત્કાર પણ કર્યો હતો. હત્યા કર્યા બાદ તે મહિલા નર્સનો સામાન લઈને ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અમે ઘટનાની રાત્રે મહિલાએ પહેરેલા કપડાં પણ કબજે કર્યા છે. મોબાઈલ ફોન અને સિમ મળ્યા બાદ હત્યા પાછળનું કારણ જાણવાનું અમારા માટે સરળ બન્યું હતું.