November 5, 2024

અમદાવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત

અમદાવાદ: શહેરમાં જનતાની સુરક્ષા માટે શહેર પોલીસ દ્વારા વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં લોકોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે, અમદાવાદ પોલીસે સૌથી વધુ હાઇટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે, જ્યાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ ઓફિસથી લોકોની સુરક્ષા તો વધશે જ પરંતુ પોલીસની ક્ષમતામાં પણ અનેકગણો વધારો થશે. આ નવા સેન્ટરની ખાસ વાત એ છે કે દરેક પોલીસ અધિકારી પાસે એક સાથે ત્રણ મોનિટર હશે. આની મદદથી એક જ અધિકારી ત્રણ અલગ-અલગ સ્થળો પર નજર રાખી શકશે, જેનાથી પોલીસ કાર્યવાહી પહેલા કરતા વધુ અસરકારક બનશે.

સૌથી રસપ્રદ વાત એ છે કે અમદાવાદ પોલીસ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો પણ ઉપયોગ કરશે. આ નવી ટેક્નોલોજીથી પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખીને આરોપીઓને ઝડપથી પકડી શકશે. સમગ્ર ગુજરાતમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે ગુનેગારોને પકડવા માટે AIનો ઉપયોગ કરવામાં આવશે.