December 27, 2024

‘કરોડપતિઓ ભારત છોડી રહ્યા છે…’ જયરામ રમેશે મોદી સરકાર પર લગાવ્યા આરોપ

Millionaires Leaving India: કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સ્થળાંતર મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને નવા આંકડાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘સંસદમાં જાહેર કરાયેલા સરકારના પોતાના ડેટા અનુસાર, 2022માં 2 લાખ 26 હજાર ભારતીયોએ તેમના દેશની નાગરિકતા છોડી દીધી હતી. આ 2011ના આંકડા કરતા લગભગ બમણો છે.’ તેમણે કહ્યું કે 2011માં 1 લાખ 23 હજાર લોકોએ દેશની નાગરિકતા છોડી દીધી હતી.

કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવતા કહ્યું કે,‘ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન એડવાઝરી ફર્મએ ખુલાસો કર્યો કે, છેલ્લા ત્રણ વર્ષમાં 17,000થી વધુ કરોડપતિઓએ ભારત છોડી દીધું છે. આ લોકોની કુલ સંપત્તિ એક મિલિયન ડોલરથી વધુ છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભારતીય કોર્પોરેટ છેલ્લા 10 વર્ષથી ટેક્સ પોલિસી અને મનસ્વી ટેક્સના કારણે ડર અને ધાકધમકીનો સામનો કરી રહ્યા છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ભારતની મોટી બિઝનેસ હસ્તીઓ દેશ છોડીને સિંગાપોર, UAE, બ્રિટન અને અન્ય સ્થળોએ સ્થાયી થઈ રહી છે. આ પ્રકારનું સ્થળાંતર ચિંતાનો વિષય હોવો જોઈએ.’

સ્થળાંતરની બાબતમાં ભારત ત્રીજા ક્રમે
ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન એડવાઈઝરી ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ અનુસાર, 2024માં 4,300 કરોડપતિ ભારત છોડી દેશે અને આ લોકો UAEમાં સ્થાયી થઈ શકે છે. રિપોર્ટ અનુસાર કરોડપતિઓના સ્થળાંતરના મામલામાં ચીન અને બ્રિટન પછી ભારત ત્રીજા સ્થાને છે. રિપોર્ટ અનુસાર કરોડપતિઓની બાબતમાં ભારત વિશ્વમાં દસમા ક્રમે છે. જ્યારે 326,400 HNWIs છે, ત્યારે ચીન 862,400 સાથે બીજા સ્થાને છે, UAEમાં 2013 અને 2023 વચ્ચે ભારતીય કરોડપતિઓની સંખ્યામાં 85 ટકાનો વધારો થયો છે.