સરખેજમાં કર્મચારી બની BMW કાર લઈને રફુચક્કર, પોલીસે મોરબીથી આરોપીને દબોચ્યો
મિહિર સોની, અમદાવાદ: સરખેજમાં BMW શો રૂમના કર્મચારી બનીને BMW કાર લઈને રફુચક્કર થનાર આરોપીની પોલીસે કરી ધરપકડ કરી છે. BBA કર્યા બાદ બિઝનેસ કરવા માટે લક્ઝુરિયસ ગાડીની ચોરી કરી હતી. પોલીસે કારના ટ્રેકર ચેક કરીને મોરબીથી આરોપીને ગાડી સાથે ઝડપી લીધો હતો.
આરોપીનું નામ ગૌરાંગ ગોસ્વામી છે. આ આરોપીએ BMWના શો રૂમનો કર્મચારી બનીને ગાડીની ઉઠાંતરી કરી હતી, પરંતુ સરખેજ પોલીસે ગણતરીના કલાકોમાં ગાડીને ટ્રેક કરીને મોરબીથી આરોપીની ધરપકડ કરી લીધી છે. સમગ્ર બનાવની વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં આવેલા BMWના શોરૂમની બહાર ટ્રેલર ગાડીમાં ચેન્નઈના તમિલનાડુથી BMW કંપનીની નવી કાર ડિલિવરી માટે આવી હતી, ત્યારે આરોપી ગૌરાંગ શોરૂમના કર્મચારી તરીકેની ઓળખ આપી હતી અને ટ્રેલરમાંથી BMWની ત્રણ ગાડીઓ નીચે ઉતરાવી હતી. જે બાદ તેમાંથી એક કારની ચાવી માંગી કારને શોરૂમ પર મુકવા જવાનું કહી કાર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. થોડા સમય સુધી આરોપી પરત નહીં આવતા ટ્રેલરના ડ્રાઇવર દ્વારા શોરૂમમાં તપાસ કરાતા આવો કોઈ કર્મચારી મોકલ્યો નહીં હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી ટ્રેલરના ડ્રાઈવરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચોરી કરનાર આરોપીની મોરબીથી ધરપકડ કરી છે.
પોલીસ તપાસમા સામે આવ્યું કે, આરોપી ગૌરાંગ ગોસ્વામી મૂળ મોરબી જિલ્લાના રસનાલ ગામમાં રહે છે. આરોપી ગૌરાંગે બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ તે ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી પણ કરતો હતો, તેના પિતા અગરબત્તીનો ધંધો કરે છે. ગૌરાંગ સ્વતંત્ર વ્યવસાય કરવા માગતો હતો, પરંતુ પરિવાર સપોર્ટ નહોતો કરતો માટે આરોપીએ પરિવારને પોતાની BMW લેવાની ક્ષમતા છે તેવું બતાવવા માટે કારની ચોરી કરી હતી. આ આરોપીએ કાર ચોરી કરીને સાણંદ નજીક 800 રૂપિયાનુ પેટ્રોલ પણ પુરાયું હતું, પરંતુ ત્યા પણ પેટ્રોલના પૈસા ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હતો. સરખેજ પોલીસે સીસીટીવી ફુટેજ અને ગાડીના ટ્રેકરની મદદથી આરોપી કચ્છ રોડથી હળવદ થઈને મોરબી જતો હોવાનું જાણવા મળતા મોરબી અને કચ્છ પોલીસની મદદથી આરોપીને ઝડપી લીધો છે અને તેની પાસેથી લકઝયુરીયસ કાર કબજે કરી કરી વધુ તપાસ હાથ ધરી છે.