નવરાત્રિમાં ધાર્મિક સદભાવના, ગોધરાના આ મુસ્લિમ પરિવારો બનાવે છે દાંડીયા
દશરથસિંહ પરમાર, પંચમહાલ: જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલ પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી મુસ્લિમ સમાજ દાંડીયા બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે જેને સંગાડા તરીકે પણ ઓળખાય છે. જેમાં અંદાજિત 150 થી વધુ કારખાનામાં આ ઉદ્યોગ હાલ કાર્યરત છે જેના માધ્યમથી હાલ આ વિસ્તારના યુવક યુવતીઓ આ વ્યવસાય થકી રોજગારી મેળવી રહ્યા છે અને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
નવલા નોરતાની રંગતમાં ખેલૈયાઓ રાસ રમતી વેળાએ જે દાંડિયાનો ઉપયોગ કરે છે તે રંગબેરંગી દાંડિયા ગોધરાના મુસ્લિમ પરિવારો દ્વારા બનાવવામાં આવે છે. ગોધરામાં ગૃહ ઉદ્યોગ તરીકે મુસ્લિમ પરિવારોમાં વિકસેલા આ દાંડિયા બનાવવાનો વ્યવસાય એક કોમી એખલાસતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. ગોધરામાં દાંડિયાનો ગૃહ ઉદ્યોગ કરતા મુસ્લિમ પરિવારોએ રસિયાઓની રમઝટના સહભાગી બનવા માટે દાંડિયા ઉત્પાદનને ક્યારેય અટકાવ્યું નથી એ પણ એક ગૌરવની બાબત કહી શકાય. લાકડામાંથી બનાવતા રજવાડી, સાદા સહિત વિવિધ પ્રકારના દાંડિયા ગરબે ઘૂમતા ખેલૈયાના થનગનાટમાં રંગ પૂરી અને આકાર આપી રંગીન બનાવવા મુસ્લિમ બિરાદરો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ગોધરામાં આવેલા અંદાજીત 150 ઉપરાંત દાંડિયા બનાવવાના કારખાના (સંગાડા) માં 800 થી વધુ મુસ્લિમ યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. મુસ્લિમ સમાજના યુવા કારીગરો નવરાત્રીના 6 મહિના પૂર્વેથી જ દાંડિયા બનાવવાના કામે લાગી જાય છે. ગોધરામાં બનેલા દાંડિયાની ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદેશમાં પણ અહીંથી જ દાંડિયાની નિકાસ કરવામાં આવે છે. વિદેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા જેવા દેશોમાં અહીંના મુસ્લિમોએ બનાવેલા દાંડિયા વેપારીઓ દ્વારા ખરીદી નિકાસ કરવામાં આવે છે. કારખાનાવાળાઓ પાસેથી ગુજરાત અને ગુજરાત બહારના વેપારીઓ દાંડિયા જથ્થાબંધ લઈ જાય છે.
આ પણ વાંચો: પાટણ સાયન્સ સેન્ટર ખાતે સૂર્ય ઘડિયાળ બની આકર્ષણનું કેન્દ્ર
નવરાત્રિ પર્વની પ્રાચીન પરંપરામાં વર્તમાન સમયમાં બદલાવ આવી રહ્યો છે જેનાથી હિન્દુ સમાજમાં કદાચ ખેલૈયાઓને ચિંતા નથી, પરંતુ દાંડીયા બનાવતાં મુસ્લિમ સમાજના કારીગરો ચિંતા કરતા જોવા મળી રહ્યા છે. પ્રાચીન ગરબા અને રાસ રમવા માટે અગાઉ દાંડીયાની રમઝટ જામતી હતી પરંતુ ડીજેના તાલે ગરબે ઘૂમતા ખેલૈયાને હવે દાંડીયા યાદ નથી આવતા અને પ્રાચીન પરંપરા પણ ધીરે ધીરે વિસરાઈ રહી છે અને તેની સીધી અસર હાલ દાંડીયા બનાવતા કારીગરો ઉપર પડી રહી છે. ઓછી ઘરાકીને કારણે ઉત્પાદન ઓછું કરવું પડ્યું છે. આ સાથે કારીગરોની સંખ્યા પણ ઓછી કરવી પડી રહી છે. વર્તમાન સમયમાં વિસરાતી પ્રાચીન ગરબાની પરંપરા આગામી પેઢી ભૂલી ન જાય એ બાબતને ધ્યાનમાં રાખી પ્રાચીન ગરબાને સ્થાન આપવા દાંડીયા બનાવતા મુસ્લિમ બિરાદર અપીલ કરી રહ્યા છે.