Navsari : શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત, વૃદ્ધ દંપતીને લીધા અડફેટે

રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવતી રહે છે. ત્યારે નવસારી શહેરમાં ઢોરના આતંકની ઘટના સામે આવી છે. શહેરના જુનાથાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડ્યા હતા અને જેને લઇને રખડતા ઢોરે વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા. આ સિવાય રસ્તાની સાઇડ પર પાર્ક કરેલા બાઇક અને કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
મળતી માહિતી અનુસાર નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. અનેક વખત લોકોને અડફેટે લેવાના વીડિયો અને તસવીરો સામે આવતી રહે છે ત્યારે નવસારીના જુનાથાણા નજીક બે આંખલા રસ્તા પર બાખડ્યા હતા. જેને લઇને ઘણા લોકોના બાઇક અને કારને પણ નુકસાન થયું હતું. તો શહેરની જનતા પણ હેરાન-પરેશાન છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે , કેવી રીતે રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને રસ્તે જતાં લોકો તેનો ભોગ બની રહ્યા છે. રખડતા ઢોર રસ્તા વચ્ચે બાખડતા રાહદારીઓમાં નાસભાગ મચી હતી. જોકે ઢોરને પાંજરે પુરવાની શહેરીજનોમાં માગ ઉઠી હતી. રખડતા ઢોરે આધેડ દંપતીને પણ અડફેટે લઈ તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. અન્ય રાહદારીઓએ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.