January 22, 2025

ઈમરાન ખાન ‘દેશદ્રોહી’ છે… પંજાબ સરકારે આ કલમો હેઠળ કેસ નોંધવાની આપી મંજૂરી

પાકિસ્તાન: મરિયમ નવાઝની આગેવાની હેઠળની પાકિસ્તાન પંજાબ સરકારે ઈમરાન ખાન વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી આપી છે. તેમને ‘દેશદ્રોહી’ જાહેર કર્યા છે અને પીટીઆઈને ગેરકાયદેસર પાર્ટી જાહેર કરી છે. પંજાબ સરકારે રાજ્ય સંસ્થાઓ અને પાકિસ્તાની સેના સામે નફરત ફેલાવવાના આરોપસર જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટીના સભ્યો વિરુદ્ધ વધુ કેસ નોંધવાની મંજૂરી આપી છે.

પંજાબ કેબિનેટે ઈમરાન ખાન વિરુદ્ધ રાજ્ય વિરોધી નિવેદનબાજી અને પાકિસ્તાનને તોડવાનું સંગઠિત કાવતરું ઘડવાનો આરોપ લગાવીને તેમની વિરુદ્ધ કાર્યવાહી માટે ઔપચારિક મંજૂરી આપી દીધી છે. ભલામણ કરાયેલી કાર્યવાહી કાયદાની કલમ 121, 121-A, 123-A, 153 અને 131 હેઠળ આવે છે.

માહિતી કોણે આપી?
71 વર્ષીય પૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે. મરિયમ નવાઝની પંજાબ કેબિનેટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સ્થાપક નેતા ઈમરાન ખાન અને તેમની પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ રાજ્ય સંસ્થાઓ વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ કાનૂની કાર્યવાહીને મંજૂરી આપી છે. પંજાબના સૂચના મંત્રી આઝમા બુખારીએ આ માહિતી આપી છે.

આ પણ વાંચો: …તો બધું નાશ પામશે, ISRO ચીફ સોમનાથે ધરતીવાસીઓને આપી મોટી ચેતવણી

ઈમરાને આ આરોપો લગાવ્યા હતા
આ પહેલા માહિતી મંત્રીએ કહ્યું હતું કે ઈમરાન ખાન બાંગ્લાદેશના મુજીબુર રહેમાન બનવાની કોશિશ કરી રહ્યા છે. મુજીબુર રહેમાને પાકિસ્તાન સામે બાંગ્લાદેશની સ્વતંત્રતા ચળવળનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. તેઓ 1971માં બાંગ્લાદેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. બુખારીએ કહ્યું હતું કે ખાનને જેલમાં મળતા લોકો પણ સંસ્થાઓ વિરુદ્ધ નફરત ફેલાવવામાં તેમનું અનુસરણ કરે છે.

થોડા મહિના પહેલા ખાને આરોપ લગાવ્યો હતો કે ચીફ જનરલ અસીમ મુનીરના માર્ગદર્શન હેઠળ સેના પાકિસ્તાનના રાજકીય વાતાવરણમાંથી તેમની પાર્ટીની હાજરીને દૂર કરવા માટે દરેક યુક્તિ અજમાવી રહી છે, પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો છે. ખાને આરોપ લગાવ્યો હતો કે દેશમાં જનતાના જનાદેશને સ્વીકારવાને બદલે હારેલા લોકોને સત્તામાં લાવવા માટે ચૂંટણી પરિણામો સાથે છેડછાડ કરવામાં આવી હતી.