January 22, 2025

‘મારા જીવને જોખમ’, જેલમાં બંધ ઈમરાન ખાને સેના અને ISI પર લગાવ્યો આરોપ

Pakistan: જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે કહ્યું છે કે તેમની આ હાલત માટે સેના અને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) જવાબદાર છે. ઈમરાન ખાનને શક્યતા વ્યક્ત કરી છે કે તેમના જીવને જોખમ છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના સ્થાપક ઈમરાન ખાન ગયા વર્ષથી રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં બંધ છે. તેમણે વર્તમાન સરકારને ટીકાકારો પ્રત્યેની નફરત અને કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા હતા. તેમણે સતત પરાજયનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ક્રિકેટની સ્થિતિની પણ ટીકા કરી હતી.

મને કઈ થશે તો તેના માટે સેના અને ISI જવાબદાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઈમરાન ખાને દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ધાંધલી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે માત્ર સાચા જનાદેશવાળી સરકાર જ પરિસ્થિતિ સુધારવાની યોજના બનાવી શકે છે. તેમણે કહ્યું કે, ISI જેલની બાબતોને નિયંત્રિત કરી રહી છે. હું ફરી કહું છું કે જો મને કંઈ થશે તો તેના માટે આર્મી ચીફ અને ISIના ડાયરેક્ટર જનરલ (ડીજી) જવાબદાર હશે.

શાહબાઝ સરકારની જાહેરાત બાદ આવ્યું ઈમરાનનું નિવેદન
પૂર્વ પ્રધાનમંત્રીની આ ટિપ્પણી શહેબાઝ શરીફ સરકારની જાહેરાત બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈમરાન ખાન વિરુદ્ધ હિંસાના મામલાની સૈન્ય અદાલતમાં સુનાવણી થઈ શકે છે. ગત વર્ષે 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, હિંસક પ્રદર્શનો થયા હતા. જેમાં તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ ઘણી સૈન્ય સંસ્થાઓને નિશાન બનાવી હતી.

આ પણ વાંચો: ટેક્સાસમાં બની હનુમાનની વિશાળ મૂર્તિ, મંદિર પરિસરમાં ઘૂસી આવ્યું કટ્ટરપંથીઓનું ટોળું, અને….

અગાઉના બે હુમલાઓની અપાવી યાદ
ઈમરાન ખાને તેમના પર થયેલા અગાઉના બે હુમલાઓની યાદ અપાવતા કહ્યું કે વજીરાબાદમાં સીસીટીવી ફૂટેજ ચોરાઈ ગયા હતા અને હુમલા પહેલા ISIએ વિસ્તારોને નિયંત્રિત કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે જેલમાં તેમની સ્થિતિ કથળી રહી છે અને તેમના ભોજનને સુરક્ષિત રાખવા માટે તૈનાત સ્ટાફને ચોથી વખત બદલવામાં આવ્યો છે. ઈમરાન ખાને કહ્યું કે આખી સરકાર જુઠ્ઠાણા પર ચાલે છે. હું તેમના સમાચાર નથી વાંચતો. અમારી વચ્ચેની વાતચીત માત્ર દેશ અને બંધારણ માટે જ થશે.