January 18, 2025

PM મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે વચ્ચે વાતચીત દરમિયાન લેવામાં આવ્યા મહત્વના નિર્ણયો

Pm Modi and Dissanayake Talks: ભારત અને શ્રીલંકાએ આજે તેમની ભાગીદારીને વિસ્તારવા માટે સંરક્ષણ સહયોગ કરારને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવાનો સંકલ્પ કર્યો હતો. આ ઉપરાંત, પાવર ગ્રીડ કનેક્ટિવિટી અને મલ્ટિ-પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન સ્થાપિત કરીને ઉર્જા સંબંધોને મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે વચ્ચે વિસ્તૃત વાતચીત દરમિયાન લેવામાં આવ્યા હતા.

વિકાસ અને કનેક્ટિવિટી પર ભાર
PM મોદીએ કહ્યું કે બંને પક્ષોએ આર્થિક ભાગીદારી માટે રોકાણ આધારિત વિકાસ અને કનેક્ટિવિટી પર ભાર આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું, “અમે નક્કી કર્યું છે કે ભૌતિક, ડિજિટલ અને ઉર્જા કનેક્ટિવિટી અમારા સહયોગના મુખ્ય સ્તંભ હશે.” PM મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે પાવર ગ્રીડ કનેક્ટિવિટી અને મલ્ટિ-પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન સ્થાપિત કરવા અને શ્રીલંકાના પાવર પ્લાન્ટ્સને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની સપ્લાય કરવા માટે કામ કરવામાં આવશે.

રામેશ્વરમ અને તલાઈમન્નાર વચ્ચે ફેરી સર્વિસ શરૂ થશે
PM મોદીએ એવી પણ જાહેરાત કરી હતી કે બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી સુધારવા માટે રામેશ્વરમ અને તલાઈમન્નાર વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. મોદીએ કહ્યું, “અમે બંને સંમત છીએ કે અમારા સુરક્ષા હિતો એકબીજા સાથે જોડાયેલા છે. અમે ટૂંક સમયમાં સંરક્ષણ સહયોગ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે. વાટાઘાટોમાં માછીમારોના વિવાદાસ્પદ મુદ્દા પર પણ ‘હાઈડ્રોગ્રાફી’ (જળ વિજ્ઞાન) પર સહકાર માટે સમજૂતી થઈ છે.

માછીમારો અંગે ચર્ચા
પીએમ મોદીએ કહ્યું, “અમે માછીમારોની આજીવિકા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમે સંમત છીએ કે આપણે આ બાબતે માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ. તમિલ મુદ્દાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતને આશા છે કે શ્રીલંકાની સરકાર સમુદાયની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. મોદીએ કહ્યું કે ભારતે અત્યાર સુધીમાં શ્રીલંકાને પાંચ અબજ યુએસ ડોલરની ક્રેડિટ સુવિધા અને સહાય પૂરી પાડી છે. વડાપ્રધાને કહ્યું, “અમે શ્રીલંકાના તમામ 25 જિલ્લાઓને સમર્થન આપીએ છીએ અને અમારા પ્રોજેક્ટ હંમેશા અમારા ભાગીદાર દેશોની પ્રાથમિકતાઓને આધારે પસંદ કરવામાં આવે છે.”