December 23, 2024

દેશભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઘણા રાજ્યોમાં અપાયું ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી: હાલમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસો માટે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તો સતત વરસાદને કારણે નદીઓ વહી રહી છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. ઠેર-ઠેર દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. હવામાન વિભાગે 29 જુલાઈએ રાજસ્થાન, ગુજરાત, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

દિલ્હીમાં છેલ્લા બે દિવસથી હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હીમાં હળવા વરસાદની સંભાવના છે. 30મી જુલાઈથી 1લી ઓગસ્ટ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 33 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 26 થી 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, ગુજરાત પ્રદેશ, કોંકણ અને ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કેરળ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં એક કે બે વાર ભારે વરસાદની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ, નડિયાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ

આ ઉપરાંત પૂર્વોત્તર ભારત, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, સૌરાષ્ટ્ર અને કચ્છ, તેલંગાણા, ઉત્તર આંતરિક કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દિલ્હી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ શક્ય છે.