ગાંધીધામના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યું 120 કરોડનું બિનવારસી ડ્રગ્સ
નીતિન ગરવા, ભુજ: ગુજરાતનો દરિયાકિનારો છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનાં દરિયાકિનારાના રસ્તે દેશમાં ડ્રગ્સ ઘૂસાડવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે. જેને પગલે અનેકવાર ડ્રગ્સ સાથે અનેક શખ્સો ઝડપાય છે તો ઘણીવાર બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો ફરી એકવાર કચ્છના ગાંધીધામના દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે.
ગાંધીધામ તાલુકાના ખારીરોહર પાસેના ર્નિજન કોસ્ટલ એરિયામાંથી 120 કરોડની કિંમતના 12 કિલો ડ્રગ્સના પેકેટ પોલીસને હાથ લાગ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ખારીરોહરની હદમાં આવતા દુર્ગમ કોસ્ટલ એરિયામાં પહોંચી હતી અને 12 કિલોના ડ્રગ્સના જથ્થાને હસ્તગત કર્યો હતો. હાલ આ જથ્થાની કિંમત 120 કરોડ આંકવામાં આવી રહી છે.
વધુ ખરાઈ માટે મળેલા પેકેટના પદાર્થના સેમ્પલ મોકલવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે.આટલી મોટી માત્રામાં એક જ સ્થળે અત્યાર સુધી મળેલા પેકેટોથી અલગ તરી આવતા માદક પદાર્થના પેકેટ કેવી રીતે અહીં સુધી પહોંચ્યા, કેટલા સમયથી પડતર છે તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે પોલીસ તપાસ કરી રહી છે.