January 26, 2025

ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

Ambaji-temple-1

અંબાજી: માં દુર્ગાના 51 શક્તિપીઠોમાંના એવા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહમેળો શરૂ થઈ રહ્યો છે. જેને લઈને જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા તેમજ અંબાજી ગ્રામપંચાયત દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ત્યારે, અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાને લઈને અંબાજી ગામ પંચાયત દ્વારા દબાણો હટાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં, TDO અને ગ્રામ પંચાયતના અધિકારીઓ જોડાયા હતા.

અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બર થી ભાદરવી પૂનમ નો મહામેળો ભરાનાર છે. ત્યારે, મેળામાં ઉમટી પડનાર લાખો પદયાત્રીઓને અંબાજીના બજારોમાં અવરજવર માટે કોઈ મુશ્કેલી ન પડે, તેમજ મેળા દરમિયાન અધિકારીઓના વાહનો પણ અવરજવર કરતા હોય છે, તેવામાં કોઈ હાલાકી ન પડે અને અકસ્માત જેવી ઘટના ન બને તેને લઈને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી.

અંબાજી ખાતે આજે શરૂ કરાયેલ દબાણ હટાવ ઝુંબેશમાં દાંતા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, અંબાજી ગ્રામપંચાયતના વહીવટદાર સહીત અન્ય અધિકારીઓ સાથે રાખીને ગેરકાયદેસર અને નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

દાંતા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કંદર્પ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અંબાજીના બજારોમાં ગેરકાયદેસર અને નડતર રૂપ દબાણ દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં, નાના-મોટા લારી, ગલ્લાઓ, ઓટલાઓ પણ JCB દ્વારા દૂર કરાયા હતા. જયારે, પંચાયત કચેરીની પાસે જ વર્ષોથી દબાણમાં બનાવેલું તોતિંગ પતરાના બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના પણ ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: સાસણ ગીરમાં સિંહના રક્ષણ માટે અનોખી મોનિટરિંગ સિસ્ટમ, સાવજને અકસ્માતથી બચાવશે