December 29, 2024

IFFCOના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ વિજેતા જાહેર

IFFCo dilip sanghani declared unopposed chairman balvindarsingh vice chairman

અમદાવાદઃ સહકારી સંસ્થા IFFCOના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવિંદરસિંઘને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ઇફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો હતો.

તાજેતરમાં જ 7 મેના રોજ 25 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ સહકારી સંસ્થાના ડિરેક્ટર (IFFCO Election Director) ઉમેદવાર માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાદડિયાને 113 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાજપના આ બંને નેતાઓ ઈફ્કોમાં ડિરેક્ટરના પદ એકમત ન થતા ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણી બાદ દિલીપ સંઘાણીનું નિવેદન
IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘લોકસાહીમાં સંકલન એટલે લોકશાહી ઢબે સહકારી આગેવાનોએ મતદાન કરી પરિણામ લેવાય. આ પરિણામને કોઇ ‘ઇલુ ઇલુ’ તરીકે જોતા હોય તો આવું કહેનારને મારે પૂછવું છે કે, સવારે કોંગ્રેસમાં હોય, બપોરે પાર્ટીમાં આવે અને પછી તેને ટિકિટ આપવામાં આવે કેટલા લોકો ગુજરાતમાં છે. જેથી કાર્યકર્તાઓ દુ:ખી છે, એને ઇલુ ઇલુ કહેવાય કે ભાજપના જ લોકો ચૂંટાય તેને ઇલુ અલુ કહેવાય. અહીં તો સવારે કોંગ્રેસમાં હોય અને બપોરે પાર્ટીમાં આવે અને પછી ચૂંટાઇ જાય તો આ ક્યાંનું ઇલુ ઇલુ છે. જો કે વાત તો એવી હોવી જોઇએ કે ભાજપમાં રહીને ભાજપામાં જ હોય તેને ઇલુ ઇલુ હોય.’