January 16, 2025

ઓફિસ નહીં આવો તો નહીં મળે પરફોર્મન્સ બોનસ: TCS

અમદાવાદ: દેશની અગ્રણી સોફ્ટવેર કંપની TCS એ ઘરેથી કામ કરતા કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. કોરોના મહામારી દરમિયાન ઘરેથી કામ કરવાનો TCSનો નિર્ણય હવે તેના માટે મુશ્કેલી બની રહ્યો છે. કંપની દ્વારા સતત અલ્ટીમેટમ આપવા છતાં ઘણા કર્મચારીઓ ઓફિસમાં આવીને કામ કરી રહ્યા નથી. જેના કારણે હવે TCSએ આવા કર્મચારીઓને નવો આદેશ આપતા કહ્યું છે કે જો તેઓ ઓફિસે નહીં આવે તો તેમને પરફોર્મન્સ બોનસ નહીં મળે.

મહત્વનું છે કે, કંપની ઇચ્છે છે કે તેના તમામ કર્મચારીઓ ઓફિસમાંથી કામ કરે. આ માટે કંપનીએ વર્ક ફ્રોમ હોમને બદલે હાઇબ્રિડ મોડલ લાગુ કર્યું છે. પરંતુ હવે TCS એ એવા કર્મચારીઓને પરફોર્મન્સ બોનસ ન આપવાનો નિર્ણય લીધો છે. જેઓ ઓફિસમાં નથી આવતા અને સતત ઘરેથી કામ કરી રહેલા કર્મચારીઓને ઝટકો લાગ્યો છે. કંપનીએ 18 એપ્રિલે જાહેર કરેલા આંતરિક મેમોમાં કહ્યું છે કે, જો કોઈ કર્મચારીની હાજરી 60 ટકાથી ઓછી હશે તો તેને વેરિએબલ પગાર એટલે કે પરફોર્મન્સ બોનસ નહીં મળે. કર્મચારીઓએ અઠવાડિયામાં 3 દિવસ ઓફિસમાંથી કામ કરવું પડશે.

આ પણ વાંચો: તમારા કારણે મારી ટિકિટમાં થાય છે મોડું, બ્રિજભૂષણે કોના પર ચીંધી આંગળી

અઠવાડિયામાં 3 દિવસ ઓફિસમાંથી કામ કરવું જરૂરી
ટાટા કન્સલ્ટન્સી સર્વિસે 60 ટકા હાજરીને લઈને કડક થઈ ગઈ છે. કર્મચારીઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરવાનું છે. TCS એવા કર્મચારીઓ સામે પગલાં લેવા માંગે છે. જેઓ ઓફિસમાંથી કામને ગંભીરતાથી લેતા નથી. તેથી, કંપનીએ ઓફિસમાંથી કામને વેરિયેબલ પગાર અથવા વાર્ષિક બોનસ સાથે જોડ્યું છે.

ઓફિસમાં ન આવવાના કારણો આપો
કંપનીના આંતરિક મેમોમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ 85 ટકા કે તેથી વધુ હાજરીને ગંભીરતાથી નથી લેતા તેમની સામે પણ શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. કંપનીએ કહ્યું છે કે, જો કોઈ કર્મચારી હાજરીના નિયમોનું પાલન નથી કરી રહ્યા તો તેમણે કારણો આપવા પડશે.  આ ઉપરાંત આ માટે કચેરીમાંથી મંજૂરી પણ લેવાની રહેશે. હાલમાં કંપનીએ આ કાર્યવાહી પર મૌન જાળવી રાખ્યું છે.

દર અઠવાડિયે 45 કલાક હાજરી જરૂરી
TCS એ કહ્યું છે કે, જે કર્મચારીઓ અઠવાડિયામાં 4 કે તેથી વધુ દિવસ ઓફિસે આવશે તેમને 100 ટકા પરફોર્મન્સ બોનસ આપવામાં આવશે. આ સિવાય 75 થી 85 ટકા હાજરી ધરાવતા કર્મચારીઓને 75 ટકા પરફોર્મન્સ બોનસ મળશે. 60 ટકાથી 75 ટકા હાજરી ધરાવનારને 50 ટકા પરફોર્મન્સ બોનસ આપવામાં આવશે. આ સાથે કંપનીએ દર અઠવાડિયે 45 કલાક અથવા દરરોજ 9 કલાક ઓફિસમાં હાજર રહેવાનો નિયમ પણ બનાવ્યો છે.