May 7, 2024

જો તમે આ નંબર ડાયલ કરશો તો તમારું બેંક ખાતું થઈ જશે ખાલી

નવી દિલ્હી :   ડિજીટલ ઇન્ડિયાના સમયમાં લોકોને જેટલા ફાયદા છે તેટલા જ સામે નુકસાન પણ ભોગવવું પડે છે. બીજી બાજુ ડિજીટલ સમયમાં સાયબર ફ્રોડ ઠગ પણ સક્રિય હોય છે અને લોકો સાથે છેતરપિંડી કરવામાં કોઇ કસર છોડતા નથી. આવા વધતાં કિસ્સાઓને અટકાવવા માટે હાલ સરકારે ભારતના કરોડો મોબાઈલ મોબાઇલ યુઝર્સને ચેતવણી જારી કરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઇલ યુઝર્સને આવા કૉલ્સથી સાવચેત રહેવા જણાવ્યું છે જેમાં ‘સ્ટાર 401 હેશટેગ’ (*401#) ડાયલ કરીને અજાણ્યા નંબર પર કૉલ કરવાનું કહેવામાં આવે છે. જેના કારણે છેતરપિંડી આચરનારને યુઝરના નંબર પર તમામ ઇનકમિંગ કોલ કરવાની પરવાનગી મળી જાય છે. તેનો લાભ લઈને સાયબર ઠગ યુઝરના મોબાઈલ નંબર પર કોલ કરીને ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ માંગીને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

ભૂલથી પણ *401# ડાયલ ન કરો
ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગે Airtel, Jio, Vodafone-Idea, BSNLના તમામ ટેલિકોમ યુઝર્સને આવા ઇનકમિંગ કોલથી સાવચેત રહેવા જણાવી દીધુ છે. ઉલ્લેખયની છે કે અગાઉ ઓક્ટોબરમાં પણ *401# કોલ ફોરવર્ડિંગ કૌભાંડના કિસ્સા સામે આવ્યા હતા. આવા ઠગ ઓનલાઈન ડિલિવરી બોય, બેંક અથવા અન્ય સર્વિસના એજન્ટ તરીકે ઓળખ આપે છે અને મોબાઇલ યુઝર્સને આ નંબર પર કૉલ કરવા માટે જણાવે છે. જેના કારણે મોબાઇ યુઝર્સ આ સાયબર ઠગની જાળમાં ફસાઈ જાય છે અને આ વિશેષ યુએસએસડી કોડ ડાયલ કરીને તેઓ સાયબર ગુનેગારોને તમામ આવેલા ઇનકમિંગ કૉલ્સની મંજૂરી મળી જાય છે.

આ પણ વાંચો : યુટ્યુબને મોકલી નોટિસ, અશ્લીલ વીડિયો સામે પગલાં લેવાશે

નેટવર્ક અપગ્રેડેશનના બહાને છેતરપિંડી
સાયબર ઠગ બેંકિંગ એજન્ટ અથવા ટેલિકોમ ઓપરેટર સપોર્ટ હોવાનો ઢોંગ કરીને મોબાઇલ યુઝરને ફોન કરે છે ત્યાર બાદ નેટવર્કની સમસ્યાનું બહાનું કાઢીને નેટવર્ક પ્રોબ્લેમ સોલ્વ કરવમા માટે આ નંબર ડાયલ કરવાનું કહે છે. આવા વધતાં કિસ્સાઓને અટકાવવા ટેલિકોમ્યુનિકેશન વિભાગે વપરાશકર્તાઓને આવા કોઈપણ સેવા કૉલને અવગણવા અને કૉલ ફોરવર્ડિંગ માટે ઉલ્લેખિત નંબરોનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

કૉલ ફોરવર્ડ કઇ રીતે બંધ કરશો?
જો તમે સાયબર ક્રિમિનલ્સનો શિકાર બન્યા છો અને તમારા ફોનમાં કોલ ફોરવર્ડિંગ ઓન છે, તો તમારે તરત જ પોતાના સ્માર્ટફોનના સેટિંગમાં જઈને તેને બંધ કરવું પડશે. સૌથી પહેલા યુઝર્સે ફોનના સેટિંગમાં જવું પડશે. ત્યાર બાદ તમે કૉલ સેટિંગ્સમાં જઈ કૉલ ફોરવર્ડિંગના ઓપ્શનને ડિસેબલ કરી દો. અથવા મોબાઇલના બધા જ સેટિંગ્સ ડિફોલ્ટ કરી શકો છો.