January 16, 2025

જો યુદ્ધ થાય તો કોણ વધુ મજબૂત… ઇરાન કે ઇઝરાયલ? જાણો બંનેની તાકાત

Iran vs Israel: હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયેહની હત્યા બાદ ઈરાને ઈઝરાયલને બદલો લેવાની ધમકી આપી છે. જો કે, ઇઝરાયલે આ હુમલાની જવાબદારી લીધી નથી અને ન તો તેના પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ઈસ્માઈલ હાનિયેહની હત્યા ઇઝરાયલની બદલાની કાર્યવાહીના ભાગરૂપે કરવામાં આવી હતી. એવું પણ માનવામાં આવે છે કે, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ગુપ્ત એજન્સી મોસાદ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈસ્માઈલ હાનિયેહ ઈરાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા, ત્યારે મોસાદે ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને તેમની હત્યા કરી નાંખી હતી. ઈરાને તેને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો છે, કારણ કે આ હુમલો તેની ધરતી પર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થાય છે તો જાણો કોણ વધુ મજબૂત હશે.

ઈરાન પાસે વધુ સૈનિકો છે
જો બંને દેશોની સૈન્ય તાકાતની સરખામણી કરવામાં આવે તો સંખ્યાત્મક તાકાતની દ્રષ્ટિએ ઈરાન વધુ મજબૂત છે. જો બંને દેશોના સક્રિય સૈનિકોની વાત કરીએ તો ઇઝરાયલ પાસે 1.70 લાખ સૈનિકો છે. આ મામલે ઈરાન ઘણું આગળ છે. તેમની પાસે 6.10 લાખ સૈનિકો છે. પરંતુ જ્યારે અનામત સૈનિકોની વાત આવે છે, ત્યારે ઇઝરાયલ આગળ છે. ઇઝરાયલ પાસે 4.65 લાખ સૈનિકોની અનામત દળ છે, જ્યારે ઈરાન પાસે 3.50 લાખ સૈનિકો છે. અર્ધલશ્કરી બાબતોમાં પણ ઈરાનને મોટો ફાયદો છે. ઈરાન પાસે 2.20 લાખ અર્ધલશ્કરી દળ છે જ્યારે ઇઝરાયલ પાસે માત્ર 35,000 છે.

આ પણ વાંચોઃ ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ડર વધ્યો, એર ઈન્ડિયાએ તેલ-અવીવની ફ્લાઈટ રદ કરી

કોની પાસે કેટલી ટેન્ક છે?
જો સેનાની તાકાતનું મૂલ્યાંકન કરવામાં આવે તો કેટલીક બાબતોમાં ઇઝરાયલ આગળ છે તો કેટલીક બાબતોમાં ઈરાન આગળ છે. જો ટેન્કની વાત કરીએ તો ઇઝરાયલ પાસે 1370 ટેન્ક છે. ત્યારે ઈરાન પાસે તેમાંથી 1996 છે. મતલબ કે, ઈરાન ટેન્કના મામલે ખૂબ જ મજબૂત છે. વાહનોના મામલે પણ ઈરાન આગળ છે. તેની પાસે 65,765 વાહનો છે, જ્યારે ઇઝરાયલ પાસે 43,407 વાહનો છે. સ્વ-સંચાલિત આર્ટિલરીમાં બંને દેશો લગભગ સમાન છે. ઇઝરાયલ પાસે 650 સ્વ-સંચાલિત આર્ટિલરી છે, જ્યારે ઈરાન 580 સાથે થોડું પાછળ છે. પરંતુ જ્યારે રોકેટ આર્ટિલરીની વાત આવે છે, ત્યારે ઈરાન 775ની સંખ્યા સાથે ઘણું આગળ છે. ઇઝરાયલ પાસે માત્ર 150 રોકેટ આર્ટિલરી છે.

બંને દેશમાં કોનું એરબેઝ વધુ મજબૂત?
જો બંને દેશોની હવાઈ શક્તિની તુલના કરવામાં આવે તો ઇઝરાયલ વધુ મજબૂત છે. ઇઝરાયલ પાસે 612 એરક્રાફ્ટ છે, જ્યારે ઈરાન પાસે 551 છે. ઇઝરાયલ પાસે 241 અને ઈરાન પાસે 186 ફાઈટર ક્રાફ્ટ છે. ઇઝરાયલ પાસે 23 સ્પેશિયલ મિશન એરક્રાફ્ટ છે જ્યારે ઈરાન પાસે માત્ર 10 છે. ઇઝરાયલ પાસે 155 ટ્રેનર એરક્રાફ્ટ છે અને ઈરાન પાસે 102 છે. ઇઝરાયલ પાસે 14 ટેન્કર છે જ્યારે ઈરાન પાસે માત્ર સાત છે. ઇઝરાયલ પાસે હેલિકોપ્ટરનો પૂરતો કાફલો પણ છે. ઇઝરાયલ પાસે 146 હેલિકોપ્ટર છે, જ્યારે ઈરાન પાસે 129 હેલિકોપ્ટર છે. ઇઝરાયલ પાસે 48 અને ઈરાન પાસે 13 કોમ્બેટ હેલિકોપ્ટર છે.

આ પણ વાંચોઃ ફુઆદ શુકરની હત્યાથી ગુસ્સે થયેલા હિઝબુલ્લાએ ઇઝરાયલ પર છોડ્યા રોકેટ

નૌકાદળમાં ઇરાન ક્યાંક આગળ તો ઇઝરાયલ ક્યાંક આગળ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની સેના અને વાયુસેનાની તાકાતની વાત કરી… હવે વાત કરીએ નેવીની. તેમાં પણ કેટલીક જગ્યાએ ઈરાન અને કેટલીક જગ્યાએ ઇઝરાયલ મજબૂત છે. ઈરાન પાસે સાત ફ્રિગ્રેટ્સ છે, જ્યારે ઇઝરાયલ પાસે કોઈ નથી. ઇઝરાયલ પાસે સાત અને ઈરાન પાસે ત્રણ છે. ઈરાન પાસે 19 સબમરીન છે, જ્યારે ઇઝરાયલ પાસે માત્ર પાંચ સબમરીન છે. ઇઝરાયલ પાસે 45 પેટ્રોલ વેસલ્સ છે, જ્યારે ઈરાન પાસે 21 છે. ઈરાન પાસે એક મરીન વોરફેર છે, જ્યારે ઇઝરાયલ પાસે એક પણ નથી.

ઈરાનના આકરા પ્રત્યાઘાતથી તણાવ વધ્યો
ઈસ્માઈલ હનિયેહના મોત પર ઈરાને કડક વલણ અપનાવ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમેનીએ આ હત્યા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યો છે અને કહ્યું છે કે, ઈસ્માઈલ હાનિયેહના મોતનો બદલો લેવો એ આપણી ફરજ છે. ઈસ્માઈલ હાનિયેહ હમાસના પોલિટિકલ બ્યુરોના ચીફ હતા. 2006માં જ્યારે હમાસ ચૂંટણી જીતી ત્યારે તે પેલેસ્ટાઈન સરકારના વડાપ્રધાન બન્યા હતા. કારણ કે ઇસ્માઇલ હાનિયેહ તેની હત્યા સમયે તેહરાનમાં હતો, અન્ય દેશોએ પણ તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ દેશોનું માનવું છે કે, તેનાથી મધ્ય પૂર્વમાં તણાવ વધી શકે છે.