December 23, 2024

વધુ એક ધમકી: સલમાનમાં હિંમત હોય તો બચાવી લે… ગીત લખનારને એક મહિનામાં મારી નાંખીશું

Salman Khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી છે. આ વખતે `ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં અભિનેતાને ધમકીભર્યો સંદેશ આવ્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકીભર્યા મેસેજમાં ‘સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ’ પર એક ગીત લખવામાં આવ્યું છે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે ગીત લખનાર વ્યક્તિને એક મહિનાની અંદર મારી નાખવામાં આવશે. તેની હાલત એવી થઈ જશે કે તે પોતાના નામે ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવીને બતાવો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધમકી આપનાર વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી.

સલમાનને પાંચમી વખત ધમકી મળી
મળતી માહિતી મુજબ, સલમાન ખાનને 22 દિવસમાં પાંચમી વખત ધમકી મળી છે. આ પહેલા પણ તેને જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીઓ મળી હતી.

બિશ્નોઈ સમાજ મંદિરમાં માફીની માંગ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં પણ સલમાન ખાનને મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે ધમકીમાં સલમાન ખાનને બિશ્નોઈ સમાજ મંદિરમાં જઈને હરણ શિકાર કેસમાં માફી માંગવા અને 5 કરોડ રૂપિયા ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. જો આમ નહીં કરવામાં આવે તો અમે તેમને મારી નાખીશું. અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.

શાહરૂખ ખાનને પણ ધમકી મળી હતી
તમને જણાવી દઈએ કે ગયા ગુરુવારે બોલિવૂડ સુપરસ્ટાર એક્ટર શાહરૂખ ખાનને પણ કોલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. બાંદ્રા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બાંદ્રા પોલીસે જ્યારે કોલ ટ્રેસ કર્યો તો તે રાયપુર છત્તીસગઢનો હોવાનું બહાર આવ્યું. પોલીસે લોકેશનના આધારે દરોડો પાડીને ફૈઝાનખાનને શોધી કાઢ્યો હતો.

ફોન ખોવાઈ ગયો, ફૈઝાનની 2 કલાક પૂછપરછ થઈ
મુંબઈ પોલીસ રાયપુર પહોંચી અને ફૈઝાન ખાનની પૂછપરછ કરી. પૂછપરછ બાદ ફૈઝાને કહ્યું હતું કે, ‘મારો ફોન 2 નવેમ્બરે ખોવાઈ ગયો હતો. જેનો રિપોર્ટ મેં ખામદીહ પોલીસ સ્ટેશન (રાયપુર)માં આપ્યો હતો. સ્થાનિક પોલીસ સાથે મુંબઈના બે પોલીસકર્મીઓ મારા ઘરે આવ્યા હતા. શાહરૂખ ખાનની ધમકીના કેસમાં તેઓએ લગભગ બે કલાક સુધી મારી પૂછપરછ કરી. મુંબઈ પોલીસે મને નોટિસ આપીને 14મીએ પૂછપરછ માટે મુંબઈ બોલાવ્યો છે. હું મુંબઈ જઈશ. મેં તેમને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

આ પણ વાંચો: અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર 6 નરાધમોનું સામુહિક દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ

સલમાન હૈદરાબાદમાં છે
સલમાન હાલ હૈદરાબાદમાં છે. તે પોતાની ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. તેનું નિર્દેશન એઆર મુરુગાદોસ કરી રહ્યા છે.