September 20, 2024

કોલકાતા કેસ: કાલે સાંજે 5 વાગ્યા સુધી ડોક્ટર્સ ફરજ પર હાજર થાય, નહીં તો..”: SCની ચેતવણી

Kolkata Case: કોલકાતામાં એક ટ્રેઈની ડૉક્ટર સાથે આચરવામાં આવેલ દુષ્કર્મ અને હત્યા મામલે જોડાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. આ દરમિયાન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ કેસની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. બંગાળ સરકારે પણ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ડોકટરો જ્યારે આંદોલન કરી રહ્યા હતા અને ફરજ પર હાજર ન હતા ત્યારે 23 લોકોના મોત થયા હતા. સુનાવણી બાદ કોર્ટે CBI પાસેથી નવો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે તપાસ એજન્સીને એક સપ્તાહનો સમય આપ્યો છે. ત્યારબાદ, કોર્ટે કેસની સુનાવણી 17 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે.

ડૉક્ટરોને ફરજ પર પરત ફરવા સુપ્રીમનો નિર્દેશ
સર્વોચ્ચ અદાલતે યાદ અપાવ્યું કે તેમણે ડોકટરોને કામ પર પરત ફર્યા પછી તેમના વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ટિપ્પણી કરી છે કે જો તેઓ હવે ફરજ પર પરત નહીં ફરે તો અમે પણ રાજ્ય સરકારને પગલાં લેતા રોકી શકીએ નહીં. તેના પર વરિષ્ઠ વકીલ ગીતા લુથરાએ જવાબ આપ્યો કે ડોકટરોને ધમકીઓ આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફરજ પર પરત ફરવા કહ્યું છે. કોર્ટે ખાતરી આપી હતી કે તેઓની સામે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે. જો કે, સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી કે જો તેમની સતત ગેરહાજરી ચાલુ રહેશે તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે.

પ્રિન્સિપાલના ઘર અને હોસ્પિટલ વચ્ચેના અંતરને લઈને કર્યો સવાલ
CJIએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલના ઘર અને હોસ્પિટલ વચ્ચેના અંતરને લઈને પૂછવામાં આવ્યું હતી. એસજી મહેતાએ જવાબ આપ્યો કે ‘લગભગ 15-20 મિનિટનો’, એસજી મહેતાએ આ મામલે સુનાવણી દરમિયાન ભારપૂર્વક કહ્યું કે મૃતક સૌની દીકરી છે. મામલે દોષિતોને જલ્દીથી જલ્દી સજા મળવી જોઈએ.