ICC T20 Ranking: સૂર્યકુમાર યાદવનો તાજ છીનવાયો, જાણો કોણ બન્યું નંબર-1 બેટ્સમેન?
ICC T20 Batting Rankings: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચો 26-27 જૂનના રોજ રમાશે. જોકે ભારતીય સમય અનુસાર બંને મેચ 27 જૂને જ રમાવાની છે. આ પહેલા આઈસીસી એ ટી-20 બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ નંબર-1 બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને સરકી ગયો છે. સૂર્યકુમાર યાદવ લાંબા સમયથી નંબર-1 ટી-20 બેટ્સમેન રહ્યો હતો. જોકે હજુ પણ તેના અને ટ્રેવિસ હેડ વચ્ચે બહુ તફાવત નથી. ટ્રેવિસ હેડે ભારત સામેની સુપર-8 મેચમાં 76 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જેના કારણે તેને રેન્કિંગમાં ફાયદો થયો હતો અને તે ચાર સ્થાનની છલાંગ લગાવીને નંબર-1ના સ્થાને પહોંચી ગયો છે. ટ્રેવિસ હેડના 844 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે સૂર્યકુમાર યાદવના 842 રેટિંગ પોઈન્ટ છે.
તમને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ એક સ્થાન ઘટીને ત્રીજા નંબર પર આવી ગયો છે જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમને પણ રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન કરીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ એક સ્થાન ગુમાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર છઠ્ઠા સ્થાને યથાવત છે. જ્યારે ભારતનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ નંબર-7 પર યથાવત છે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ વિરૂદ્ધ કોહલી બની જાય છે ‘કિંગ’, રેકોર્ડ છે તેનો પુરાવો
એડેન માર્કરામ 8માં નંબર પર છે અને બ્રાન્ડન કિંગ 9માં નંબર પર છે. જોનસન ચાર્લ્સ 10માં નંબર પર છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી અને તેના કારણે તેને રેન્કિંગમાં મોટો ફાયદો થયો હતો. રોહિત શર્મા 13 સ્થાનની છલાંગ લગાવીને 38માં સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 47માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ઋતુરાજ ગાયકવાડ છ સ્થાન નીચે 19મા સ્થાને આવી ગયો છે.