December 19, 2024

IAF: રાકેશ શર્માની અંતરિક્ષ યાત્રાની 40મી વર્ષગાંઠ, વાયુસેનાએ સ્મરણ વગોળ્યાં

રાકેશ શર્મા 35 વર્ષની ઉંમરે અંતરિક્ષમાં ગયા હતા.

નવી દિલ્હી: વિંગ કમાન્ડર રાકેશ શર્માને કોઈ ઓળખાણની જરૂર નથી. આજથી 40 વર્ષ પહેલા રાકેશ શર્મા અંતરિક્ષમાં પ્રવેશ કરનાર અને ત્યાં લાંબો સમય વિતાવનાર પ્રથમ ભારતીય બન્યા હતા અને આ રેકોર્ડ હજુ પણ અકબંધ છે. એક ભારતીય માટે અંતરિક્ષમાં પ્રવેશ કરવો એ આખા દેશ માટે સોનેરી ક્ષણ હતી. આજે ભારતીય વાયુસેનાએ વિંગ કમાન્ડરને યાદ કર્યા છે.

આજથી 40 વર્ષ પહેલા અંતરિક્ષની યાત્રા
ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, ‘જ્યારે દેશ ગગનયાન મિશન તરફ માર્ગ મોકળો કરી રહ્યો છે. આવા પ્રસંગે આજે આપણે સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા દ્વારા કરવામાં આવેલ સાહસિક અંતરિક્ષ ઉડાનને યાદ કરીએ છીએ. ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશે 40 વર્ષ પહેલા આ દિવસે તેમની અવકાશ યાત્રા કરી હતી.

સારે જહાં સે અચ્છા…
ભારતીય વાયુસેનાએ કવિ અલ્લામા ઇકબાલ દ્વારા લખેલા પ્રખ્યાત દેશભક્તિ ગીત ‘સારે જહાં સે અચ્છા’માંથી એક પંક્તિ પણ લખી હતી. ખરેખરમાં આની પાછળ એક રસપ્રદ વાર્તા છે. પ્રથમ વખત દેશે અવકાશમાંથી સોયુઝ ટી-11ના ક્રૂ સાથે સંયુક્ત પરિષદ દ્વારા અવકાશમાં ભારતીય નાગરિક સાથે વાત કરી હતી. તે સમયે ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા. તેમણે રાકેશ શર્માને પૂછ્યું હતું કે અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે? આના પર રાકેશે હિન્દીમાં જવાબ આપ્યો હતો- સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા…

આ પણ વાંચો: તાઇવાનની રાજધાની તાઇપેમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

માત્ર 35 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ
રાકેશ શર્મા 35 વર્ષની ઉંમરે અંતરિક્ષમાં ગયા હતા. તેઓ અવકાશમાં જનારા 128મા અને પ્રથમ ભારતીય હતા. રાકેશ શર્માની પસંદગી 50 ફાઈટર પાઈલટની ચકાસણી બાદ કરવામાં આવી હતી. રવીશ મલ્હોત્રા તેમની સાથે બેકઅપ તરીકે હતા. રાકેશ શર્માએ 3 એપ્રિલ 1984ના રોજ ISRO અને સોવિયેત સંઘ (હવે રશિયા)ના સંયુક્ત મિશન હેઠળ સોયુઝ T-11થી તેમની અવકાશ યાત્રા શરૂ કરી હતી. આ સમય દરમિયાન બે રશિયન અવકાશયાત્રીઓ યુરી માલિશેવ અને ગેન્નાડી સત્રેકાલોવ તેમની સાથે અવકાશ માટે રવાના થયા હતા. તે તત્કાલિન સોવિયેત રિપબ્લિક ઓફ કઝાકિસ્તાનના સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

આટલા દિવસ અંતરિક્ષમાં રહ્યા
તેમણે સાત દિવસ 21 કલાક અને 40 મિનિટ અંતરિક્ષમાં વિતાવ્યા હતા. રાકેશ શર્માએ રિમોટ સેન્સિંગ અને બાયો-મેડિસિન સહિત ઘણા વૈજ્ઞાનિક અભ્યાસ અને પ્રયોગો કર્યા હતા. ક્રૂએ સ્પેસ અધિકારીઓ સાથે કોન્ફરન્સ પણ યોજી હતી. રાકેશ શર્માને બાદમાં અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. રશિયાએ તેમને ‘સોવિયત સંઘના હીરો’નું બિરુદ આપ્યું હતું. 1987માં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર તરીકે નિવૃત્ત થયા બાદ શર્માએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં કામ કર્યું. બાદમાં તેઓ તેજસ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા હતા.