December 13, 2024

‘હું તપાસમાં દખલગીરી નહીં કરું,કાયદો પોતાનું કામ કરશે’: તેલંગાણાના CM રેવન્ત રેડ્ડી

Allu Arjun Arrest: જાણીતા તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનની પોલીસે આજે ધરપકડ કરી છે. તેમની ફિલ્મ પુષ્પા 2: ધ રાઇઝના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની ધરપકડ પર તેલંગાણાના મુખ્ય મંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું, કાયદો પોતાનું કામ કરશે, તેમણે કહ્યું, “હું કેસની તપાસમાં દખલગીરી નહીં કરું. નાસભાગમાં મોતને કારણે પોલીસે કાર્યવાહી કરી છે.”

અભિનેતા અલ્લુ અર્જુનને કડક સુરક્ષા વચ્ચે તેના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને પોલીસ વાહનમાં ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હકીકતમાં, 4 ડિસેમ્બરની રાત્રે, અભિનેતાની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો સંધ્યા થિયેટરમાં એકઠા થયા હતા. આ જ નાસભાગ દરમિયાન 35 વર્ષની મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો.

હૈદરાબાદ પોલીસે મૃતક મહિલાના પરિવાર દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે, અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.