હું ઘઉં વેચીને બ્રેડ ખરીદવા નથી માંગતો: PM મોદી
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે તેમના ત્રીજા કાર્યકાળની તૈયારી વિશે વાત કરી હતી. આ સમયે PMએ દેશમાં આવનારા વિદેશી રોકાણથી લઈને દેશના ટેક્સપેયર્સ સુધીની વાત કરી હતી. તેમણે દુનિયાની મોટો મોટી કંપનીઓ દ્વારા દેશમાં નાણા રોકાણ અને તેનાથી થતા લાભોને લઈને વાત કરી હતી. PM મોદીએ કહ્યું કે, ભારતમાં પૈસા કોઈ પણ દેશનો હોય, પરંતુ પરસેવો આપણા યુવાનોનો જ હોવો જોઈએ, ઘઉં વેચીને હું બ્રેડ ખરીદવા જાઉં. તેવું નહીં થઈ શકે.
ANIને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન એક સવાલ પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં આવતા મૂડી રોકાણ અને ગૂગલ સહિત ઘણી મોટી કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ પર ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે એલન મસ્ક સાથેની તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, એલોન મસ્ક ભારતના પ્રશંસક છે, 2015માં હું તેમની ફેક્ટરી જોવા ગયો હતો અને તેમણે પોતે જ મને ફેક્ટરી બતાવી હતી. હવે તે ભારત આવી રહ્યો છે.
દેશના દરેક ક્ષેત્રમાં રોકાણ આવી રહ્યું છે
વડા પ્રધાનના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષોમાં વિશ્વભરમાંથી દરેક ક્ષેત્રમાં ભારતમાં મૂડીનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ઈવી માર્કેટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં મોટો બદલાવ આવ્યો છે. વર્ષ 2014-15માં માત્ર 2000 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે 2023-24માં 12 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. ચાર્જિંગ સ્ટેશનનું એક મોટું નેટવર્ક બનાવવામાં આવ્યું છે અને અમે આ ક્ષેત્ર માટે એક નીતિ તૈયાર કરી છે અને તેને વિશ્વને જણાવી છે, જેની અસર ભારતમાં બાહ્ય રોકાણના રૂપમાં દેખાઈ રહી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લાના સોમા પટેલે ભાજપનો બીજી વાર ખેસ ધારણ કર્યો
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આજે આપણે દરેક ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છીએ. આ નાણા કોઈ પણ દેશના હોય, પરંતુ દેશનો પરસેવો તેમાં નાખવો જોઈએ. આપણા દેશના યુવાનોને રોજગાર મળવો જોઈએ. તેમણે આગળ કહ્યું, ‘હું જે પણ કરીશ, હું મારા દેશ માટે, મારા દેશના યુવાનો માટે કરીશ. હું ઈચ્છું છું કે ભારતીય યુવાનોને દેશમાં જ રોજગાર મળે.
યુવા સાથે સંકળાયેલ 2047 દ્રષ્ટિ
પીએમ મોદીએ વિકસિત ભારતના વિઝન વિશે પણ વાત કરી. PMએ કહ્યું કે, હું વિકસિત ભારત અને 2047ના વિઝન વિશે જે વાત કરું છું તેની સાથે આજના 20-22 વર્ષના યુવાનોનું ભવિષ્ય જોડાયેલું છે. આજના પ્રથમ વખતના મતદાર 2047નો સૌથી મોટો લાભાર્થી બનશે. આ દરમિયાન તેમણે કોંગ્રેસના મેનિફેસ્ટોને અર્થવ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી હતી અને કહ્યું હતું કે વિપક્ષનો ઢંઢેરો યુવાનોના ભવિષ્યને કચડી નાખનાર છે.