‘48 નેતાઓની સીડી બની’, કર્ણાટકના મંત્રી કેએન રાજન્નાએ હની ટ્રેપને લઈને કર્યો મોટો દાવો

Karnataka Honey Trap Scandal: કર્ણાટકના જાહેર બાંધકામ મંત્રી સતીશ જરકીહોલીએ ગુરુવારે હની ટ્રેપ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કર્ણાટકના વરિષ્ઠ મંત્રીને હનીટ્રેપમાં ફસાવવાના બે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાની નિંદા કરતા તેમણે કહ્યું કે રાજકારણમાં આવી રણનીતિનો ઉપયોગ ન કરવો જોઈએ.

’48 નેતાઓ હની ટ્રેપમાં ફસાયા’
કર્ણાટક સરકારના મંત્રી સતીશ જરકીહોલીએ કહ્યું કે કેટલાક લોકો રાજકીય લાભ માટે આવી પરિસ્થિતિઓનો લાભ લે છે અને આ બંધ થવું જોઈએ. આ પછી, કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો કે તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હની ટ્રેપ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચર્ચા અંગે કે.એન. રાજન્નાએ ગૃહમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નેતાઓ સહિત ઓછામાં ઓછા 48 નેતાઓ હની ટ્રેપમાં ફસાયા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મુદ્દો કોઈ એક પક્ષ પૂરતો મર્યાદિત નથી.

મંત્રીએ સીડી અને પેન ડ્રાઇવનો ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું, “જ્યાં સુધી મારી જાણકારી છે, ફક્ત એક કે બે નહીં પરંતુ લગભગ 48 લોકો આવી સીડી અને પેન ડ્રાઇવનો ભોગ બન્યા છે.” સમાચાર એજન્સી IAAS ના અહેવાલ મુજબ, કેએન રાજન્નાના પુત્ર રાજેન્દ્ર રાજન્નાએ કહ્યું છે કે તેમને પણ હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે આ મામલો ઘણા સમય પહેલા શરૂ થયો હતો, જ્યારે તેનો ફોન અને વીડિયો કોલ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, પહેલા તો તેમણે આ અંગે મૌન જાળવ્યું હતું અને આ અંગે કોઈ વાત કરી ન હતી, પરંતુ જ્યારે આ મામલો વિધાનસભામાં આવ્યો ત્યારે તેણે તેના પર ખુલીને વાત કરી હતી.

કેએન રાજન્નાનો પુત્ર પણ હનીટ્રેપનો શિકાર બન્યો
રાજેન્દ્ર રાજન્નાએ કહ્યું, “હું અને મારા પિતા હનીટ્રેપનો ભોગ બન્યા છીએ. આ મામલો ઘણા મહિનાઓથી ચાલી રહ્યો હતો. તેની શરૂઆત ફોન કોલ્સ અને વીડિયો કોલ્સથી થઈ હતી. અમે તેની અવગણના કરી, પરંતુ આજે જ્યારે આ મુદ્દો વિધાનસભામાં આવ્યો ત્યારે મેં તેના વિશે વાત કરવાનું નક્કી કર્યું. અમે આ મામલે સંપૂર્ણ તપાસ ઈચ્છીએ છીએ.” રાજેન્દ્રએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે પણ વાત કરી છે, પરંતુ તેમને ખબર નથી કે તેમને શા માટે ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.