અફઘાનિસ્તાન પર ખતરો, પૂરથી વહી ગયા સેંકડો ઘર; 33 લોકોનાં મોત
અફઘાનિસ્તાન: તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે ત્રણ દિવસના અચાનક પૂરમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે અને 27 અન્ય ઘાયલ થયા છે. જ્યારે પૂરમાં 600થી વધુ મકાનો ધોવાઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ વધુ તબાહીની આશંકા વ્યક્ત કરી છે. એક અનુમાન મુજબ અફઘાનિસ્તાનના 34 પ્રાંતો કુદરતી આફતના જોખમમાં છે.
પ્રાકૃતિક આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના તાલિબાનના પ્રવક્તા અબ્દુલ્લા જનાન સૈકે રવિવારે જણાવ્યું હતું કે રાજધાની કાબુલ અને કેટલાક પ્રાંતોમાં અચાનક પૂર આવ્યું છે. તેમણે કહ્યું કે પૂરને કારણે 600 થી વધુ ઘરો નાશ પામ્યા છે અથવા નુકસાન થયું છે જ્યારે 200 જેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે.
SACએ કહ્યું કે પૂરને કારણે 800 હેક્ટર ખેતીની જમીન પણ નાશ પામી છે અને 85 કિલોમીટરથી વધુ રસ્તાઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે પૂરના કારણે પશ્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણી ઝાબુલ અને કંદહાર પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે.
હવામાન વિભાગે અફઘાનિસ્તાનના મોટાભાગના 34 પ્રાંતોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.