જે સુશાંતસિંહ રાજપૂત કેસમાં CBIને ન મળ્યા પુરાવા… તેમાં રિયાએ કેટલી રાત જેલના સળિયા પાછળ ગણી?

Mumbai: સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ બે કેસમાં કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. સીબીઆઈએ પટનાની ખાસ કોર્ટમાં એક ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જ્યારે બીજો ક્લોઝર રિપોર્ટ મુંબઈની ખાસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આમાંથી એક કેસ સુશાંતના પિતા કેકે સિંહે રિયા વિરુદ્ધ દાખલ કર્યો હતો. જ્યારે બીજો કેસ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ અભિનેતાની બહેનો વિરુદ્ધ દાખલ કર્યો હતો. હવે કોર્ટ નક્કી કરશે કે તે આ રિપોર્ટ સ્વીકારશે કે એજન્સીને વધુ તપાસ ચાલુ રાખવાનો આદેશ આપશે.

સીબીઆઈએ સાડા ચાર વર્ષથી વધુ સમયની તપાસ બાદ આ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિષ્ણાતોના અભિપ્રાય, સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક રિપોર્ટ્સના આધારે સીબીઆઈએ તારણ કાઢ્યું છે કે અભિનેતાને આત્મહત્યા કરવા માટે કોઈએ ઉશ્કેર્યા હોવાના આરોપને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી. સીબીઆઈએ આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીને ક્લીનચીટ આપી હતી.

રિયા ચક્રવર્તીને કેવી મુશ્કેલી પડી
આ સમગ્ર કેસમાં સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું, પરંતુ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર આફત આવી પડી. સુશાંતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તીને લોકો ‘ગોલ્ડ ડિગર’ કહેવા લાગ્યા. સુશાંતના પરિવાર ઉપરાંત લોકોએ સોશિયલ મીડિયા પર રિયા પર વિવિધ આરોપો પણ લગાવ્યા હતા. મીડિયામાં રિયાને વિલન તરીકે પણ રજૂ કરવામાં આવી હતી. જ્યારે તપાસમાં ડ્રગ્સનો મુદ્દો સામે આવ્યો ત્યારે રિયા ચક્રવર્તીને જેલ જવું પડ્યું.

આ પણ વાંચો: સંભલ હિંસામાં જામા મસ્જિદના ચીફ ઝફર અલી કસ્ટડીમાં…. પોલીસે શરૂ કરી પૂછપરછ

આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પણ એન્ટ્રી થઈ. પહેલા ED દ્વારા મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવામાં આવી હતી. ED એ 7 ઓગસ્ટે અભિનેત્રીની પણ પૂછપરછ કરી હતી. આ કેસમાં પાછળથી NCBએ ડ્રગ્સના એંગલથી પણ રિયાની પૂછપરછ કરી. આ પછી 8 સપ્ટેમ્બર 2020 ના રોજ રિયા ચક્રવર્તીની NCB દ્વારા સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રિયા 27 દિવસ જેલમાં રહી અને પછી 7 ઓક્ટોબર 2020ના રોજ બોમ્બે હાઈકોર્ટમાંથી તેને જામીન મળ્યા.