November 15, 2024

ઇરાનના હુમલાને ઇઝરાયલે કેવી રીતે કર્યો નિષ્ફળ? IDFએ જાહેર કર્યા વીડિયો

ઇઝરાયલ: ઈરાને શનિવારે રાત્રે અને રવિવારની વહેલી સવારે 300 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો જોકે ઈઝરાયલે દાવો કર્યો હતો કે તેમાંથી 99 ટકા મિસાઈલો અને ડ્રોનને સમયસર તોડી પાડ્યા છે. ઈઝરાયલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈરાને 170 ડ્રોન, 30થી વધુ ક્રૂઝ મિસાઈલ અને 120થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. તેમાંથી 99 ટકા પ્રક્ષેપણ રોકી દેવામાં આવ્યા છે.

ઈઝરાયલે રવિવારે એક વિડિયો પણ જાહેર કર્યો હતો. જેમાં ઈઝરાયલના સૈનિકો ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલોને તોડી પાડતા જોવા મળે છે. જો કે, આ હોવા છતાં ઘણી બેલિસ્ટિક મિસાઇલો ઇઝરાયલના પ્રદેશમાં પહોંચી. જેના કારણે એરપોર્ટને નજીવું નુકસાન થયું છે.

ઈરાને આ હુમલાઓ ખાસ કરીને જેરુસલેમ, નેગેવ રણ અને દક્ષિણમાં મૃત સમુદ્ર, ઉત્તરમાં ઈઝરાયલના કબજા હેઠળની ગોલાન હાઈટ્સ તેમજ કબજા હેઠળના વેસ્ટ બેંકમાં કર્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન પુષ્ટિ કરી હતી કે ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન દ્વારા ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવાઈ ​​સંરક્ષણ પ્રણાલીઓએ કેટલીક મિસાઈલોને અટકાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

અમેરિકા, જોર્ડન અને બ્રિટને ઈઝરાયલને હુમલાથી બચાવ્યા
ઇઝરાયલના એક ટીવી સમાચારે અહેવાલ આપ્યો છે કે લોન્ચ કરાયેલા અંદાજે 400-500 ડ્રોનમાંથી લગભગ 100ને યુએસ, જોર્ડનિયન અને બ્રિટિશ દળો સહિતના સહયોગી દેશો દ્વારા ઇઝરાયલ પહોંચતા પહેલા અટકાવવામાં આવ્યા હતા.

ઇઝરાયલની બચાવ સેવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેગેવના બેદુઇન ગામમાં 10 વર્ષનો એક છોકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. મિસાઇલના ભાગો ઉત્તર ઇઝરાયલના આરબ શહેર ઉમ્મ અલ-ફહમ નજીક પડ્યા હતા. જેના કારણે કોઇ જાનહાનિ થઇ ન હતી.

ઈરાને પહેલીવાર ઈઝરાયલ પર હુમલો કર્યો
અન્ય એક અહેવાલ અનુસાર ઇઝરાયલ ઇરાની હવાઈ હુમલાનો જવાબ આપવાનું આયોજન કરી રહ્યું છે. અધિકારીએ કહ્યું, ‘પ્રથમ વખત ઈરાને તેની ધરતી પરથી ઈઝરાયલ પર મિસાઈલ છોડી છે. તેનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે.’

બીજી તરફ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ શનિવારે રાત્રે એક નિવેદનમાં પુષ્ટિ કરી કે તેણે મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર ડ્રોન ઈરાન તેમજ ઈરાનના મિત્ર દેશોમાંથી લોન્ચ કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલી સૈન્યએ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે “આઇડીએફ હાઇ એલર્ટ પર છે. તેમજ ઇઝરાયેલી એર ફોર્સ ફાઇટર જેટ અને ઇઝરાયેલી નૌકાદળના જહાજો સંરક્ષણ મિશન પર છે”.