November 24, 2024

બેંગલુરુના રામેશ્વરમ્ કેફેમાં ભયાનક બ્લાસ્ટ , 9 લોકો ગંભીર રીતે ઘાયલ

Bengaluru Cafe blast: બેંગલુરુના રાજાજીનગર સ્થિત રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયો છે, જેમાં લગભગ નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી સામે આવી છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ રામેશ્વરમ કાફેમાં થયેલો વિસ્ફોટ બોમ્બ બ્લાસ્ટ હોવાની પુષ્ટિ કરી છે. બીજી બાજુ બ્લાસ્ટ અંગેના મહત્વના પુરાવા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે એક વ્યક્તિ કેફેની અંદર બેગ રાખતો જોવા મળે છે.

લોકોએ દાવો કર્યો છે કે બેગ કેશિયર કાઉન્ટર પર રાખવામાં આવી હતી અને અચાનક બેગ ફાટી ગઈ હતી. માહિતી અનુસાર આ બ્લાસ્ટમાં એક મહિલા 40 ટકા દાઝી ગઈ હતી. બીજી બાજુ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે સીએમને જણાવ્યું કે તે IED બ્લાસ્ટ હતો. બેગમાંથી એક IED ઉપકરણ મળી આવ્યું હતું જેના કારણે વિસ્ફોટ થયો હતો. વધુમાં કહ્યું કે જેણે પણ આ કર્યું તે ગભરાટ ફેલાવવા માંગતો હતો.

કેફેમાં બ્લાસ્ટની ઘટના બાદ વ્હાઇટફિલ્ડના ફાયર સ્ટેશને જણાવ્યું કે અમને ફોન આવ્યો કે રામેશ્વરમ્ કેફેમાં સિલિન્ડર વિસ્ફોટ થયો છે. ત્યાર બાદ અમે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને ડોગ સ્ક્વોડની સાથે ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ પણ વિસ્ફોટના સ્થળે પહોંચી છે અને સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. બીજી બાજુ રેસ્ટોરન્ટના એક સિક્યોરિટિ ગાર્ડે કહ્યું કે ‘હું કેફેની બહાર ઉભો હતો. રેસ્ટોરન્ટમાં ઘણા ગ્રાહકો હાજર હતા, અચાનક જ જોરદાર અવાજ સંભળાયો અને આગ ફાટી નીકળી હતી જેમાં કેફેની અંદર રહેલા ગ્રાહકો ઇજા થઇ હતી.

બપોરે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે વિસ્ફોટ થયો
બીજી બાજુ ઘટનાને પગલે પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રામેશ્વરમ્ કેફેમાં શંકાસ્પદ એલપીજી સિલિન્ડર વિસ્ફોટ અને આગ લાગવાથી ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. જો કે હજુ સુધી ઘાયલ થયેલા લોકોની ચોક્કસ સંખ્યાની જાણકારી આપવામાં આવી નથી. વધુમાં પોલીસે જણાવ્યું કે પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર કુંદનહલ્લીના રામેશ્વરમ્ કેફેમાં બપોરે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયસ બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિલિન્ડરને કારણે વિસ્ફોટ થયો છે. જો કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ઘટનાની તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ.