108ના કર્મચારીઓની પ્રામાણિકતા: અકસ્માતમાં થયેલી અર્ધબેભાન વ્યક્તિનો આશરે 8 લાખનો કિંમતી સામાન પરિવારજનોને સોંપ્યો
અમદાવાદ: 108ના પવિત્ર અંક સાથે જોડાયેલી એમ્બ્યુલન્સ સેવા રાજ્યના જનજનમાં એવો વિશ્વાસ પ્રસ્થાપિત કરી ચૂકી છે કે આજે રાજ્યભરમાં ક્યાંય પણ આગ-અકસ્માત કે અન્ય દુર્ઘટના ઘટે ત્યારે લોકોના મનમાં સૌથી પહેલા 108 જ યાદ આવે છે. આ સેવાના વાહકો ત્વરિત ઘટનાસ્થળે પહોંચે છે, તે જેટલું કાબિલેદાદ છે એટલી જ તેમની નિષ્ઠા અને પ્રામાણિકતા પણ પ્રશંસનીય છે. આ વાતને પુષ્ટિ આપતી એક વધુ ઘટના પ્રકાશમાં આવી છે.
ગત વર્ષના અંતિમ દિવસોમાં મણિપુર ઘુમા ગામ રોડ પર નિઘરાડ ગામના બસ સ્ટેન્ડની બાજુમાં અકસ્માતની ઘટના બની હતી. ઘુમા ગામના જિજ્ઞેશભાઈ પુરોહિતને મણિપુર-ઘુમા રોડ પર નિઘરાડ ગામના બસ સ્ટેન્ડ આગળ રીક્ષાચાલક સાથે એક્સિડન્ટ થતાં ઇજાગ્રસ્ત થઈને તેઓ અર્ધ બેભાન હાલતમાં પહોંચી ગયા હતા. સ્થાનિકોને જાણ થતાં તેમણે 108 નંબર ડાયલ કરીને એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી અને દર વખતની જેમ 108 એમ્બ્યુલન્સ મારતે ઘોડે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર આપીને વધુ સારવાર માટે સાણંદની મોનિકૃપા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે અકસ્માત સ્થળે 108 પહોંચી ત્યારે, અકસ્માતમાં ઘવાયેલા અર્ધ બેભાન વ્યક્તિની પાસે રોકડા રૂપિયા – 1 લાખ, 4 સોનાની બંગડી, 1 મોબાઈલ એ પણ આઇફોન S-15 સહિતની કેટલીક કિંમતી વસ્તુઓ પણ હતી. એમ્બ્યુલન્સમાં સેવારત ઇ.એમ.ટી. જીગર પ્રજાપતિ તથા સુરેશભાઈ પણદાએ પળનોય વિલંબ કર્યા વિના ઘાયલ વ્યક્તિના પરિવારને આ બધી વસ્તુઓ સાચવીને પરત કરી હતી. આજે રૂપિયા માટે ભાઈ ભાઈનું માથુ વાઢતાં વિચાર નથી કરતો ત્યારે આશરે રૂપિયા 8 લાખનો મુદ્દામાલ પરિવારને પરત કર્યો. એક લાખ રોકડા, ચાર-ચાર સોનાની બંગડી અને આઇફોન પણ તેમની નૈતિકતાને ડગાવી ન શક્યા!
એમ્બ્યુલન્સમાં સેવારત ઇ.એમ.ટી. જીગર પ્રજાપતિ તથા સુરેશભાઈ પણદાએ પળનોય વિલંબ કર્યા વિના આશરે 8 લાખનો કિંમતી સામાન પરિવારજનોને સોંપી દીધો. અકસ્માતમાં અર્ધબેભાન વ્યક્તિને સુરક્ષિત દવાખાને પહોંચાડ્યા અને સાથે સાથે તેમની કિંમતી વસ્તુઓને સંબંધીઓ સુધી સહીસલામત પહોંચાડનાર 108ના કર્મીઓને સો સો સલામ કરવાનું મન થાય. આ સરહાયનીય કામગીરી બદલ પરિવારએ 108ના કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સલામ છે અવા પ્રામાણિક સેવાવીરોને…