જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી, ભગવાન દામોદરજી સમક્ષ રસિયા ગાવામાં આવ્યા

જૂનાગઢ: જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હોળી નિમિત્તે ભગવાન દામોદરજી સમક્ષ રસિયા ગાવામાં આવ્યા અને મંદિરના પટાંગણમાં રાળ મનોરથ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હોળી ઉત્સવની ઉજવણી કરી હતી.
પુષ્ટિ સંપ્રદાયના મંદિરોમાં વસંતપંચમીના દિવસ થી જ વસંતોત્સવ મનાવાય છે. ત્યારે દામોદર કુંડ પર આવેલ પૌરાણિક શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે હોળી નિમિત્તે ભગવાન શ્રી રાધા દામોદરજી સમક્ષ વૈષ્ણવોએ રસિયા ગાયા હતા. રસિયા હોળીના દિવસોમાં જ ગવાય છે જેમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો સંવાદ છે, ભગવાન અને ભક્ત વચ્ચેની મીઠી તકરાર છે, સાથે ગોપીઓ શ્રીકૃષ્ણ માટેનો પ્રેમ પણ વ્યક્ત કરે છે. આમ રસિયા પ્રેમ અને ભક્તિસભર હોય છે. હોળી વખતે ગોપીના ભાવથી રસિયા ગાવામાં આવે છે. શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભગવાન સમક્ષ રસિયા પ્રસ્તુત કર્યા હતા.
હોળી સમયે ભગવાન સમક્ષ રાળનો મનોરથ કરવામાં આવે છે. શ્રી રાધા દામોદરજી મંદિર પટાંગણમાં રાળ મનોરથ કરાયો હતો. ગોપીઓનો વિરહ ભાવમાં હોળી નિમિત્તે રાળ મનોરથ ઉજવાય છે. રાળની જ્વાલા એ ગોપીઓના વિરહની ભાવના છે. રાળ મનોરથ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શરીર માટે ફાયદાકારક છે કારણ કે શિયાળા અને ઉનાળા વચ્ચેની આ મિશ્ર ઋતુમાં શરદી કફ થતા હોય છે અને રાળનો ધુમાડો શરીરમાં જવાથી કફ શરદીનો નાશ થાય છે. આમ આપણો ધર્મ વિજ્ઞાન સાથે પણ જોડાયેલો છે, હોળી પર્વ નિમિત્તે શ્રી રાધા દામોદરજી મંદિર ટ્રસ્ટ દ્વારા રસિયા અને રાળ મનોરથનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હોળી પર્વના દર્શનનો લાભ લીધો હતો.