January 6, 2025

HOFનું 1001 દિવસનું ડ્રગ જાગૃતિ અભિયાન, સશક્ત સમાજ માટે પહેલ

અમદાવાદઃ ફર્નિચર સોલ્યુશન્સ અને ફાર્મા બિઝનેસમાં અમદાવાદનું અગ્રણી કોર્પોરેટ જૂથ HOF દ્વારા આજે ફાર્માસ્યુટિકલ લિમિટેડની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ડ્રગ જાગૃતિ અભિયાન શરૂ કરાયુ છે. આ પ્રસંગે HOFના 450થી વધુ કર્મચારીઓ અને સિનિયર મેનેજમેન્ટે ડ્રગ જાગૃતિ અંગે શપથ લીધા હતા, અને ડ્રગના દુરૂપયોગ સામે લડવા માટે લોકોને જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો.

અમદાવાદ પોલીસના સહયોગથી શરૂ થયેલ ડ્રગ જાગૃતિ અભિયાન 1001 દિવસ એટલે કે આગામી ત્રણ વર્ષ સુધી ચાલશે. આ ઝુંબેશનો હેતુ માદક દ્રવ્યોના દૂરુપયોગ અને જોખમો અંગે ખાસ કરીને યુવાનો અને સમાજમાં જાગૃતિ લાવવાનો છે અને આવા દૂષણો કેવી રીતે અટકાવવા તે અંગે સમજ આપવાનો છે.

ડ્રગ જાગૃતિ અભિયાન અંગે વાત કરતા HOF ગ્રૂપના ચેરમેન પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે, “આજના યુગમાં બાળકો અને યુવાનો અનેક પડકારોનો સામનો કરી રહ્યાં છે, ત્યારે ડ્રગ અંગે જાગૃતિ લાવવી પહેલાં કરતા વધુ મહત્વની બની ગઇ છે. આ ઝૂંબેશ દ્વારા અમે પડકારોનો સામનો કરવા અને દરેક માટે સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય બનાવવા માટે સક્રિય પગલાં લઇ રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે આ પ્રયાસ આપણા બાળકો અને સમુદાયને સશક્ત બનાવશે અને તેની કાયમી છાપ છોડશે.”

સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટ અને ચાંગોદર ફેક્ટરીમાં HOFના કર્મચારીઓએ કેન્દ્ર સરકારના યુનિફાઇડ ઓનલાઇન પ્લેજ પ્લેટફોર્મ MyGov પર ડ્રગ જાગૃતિના શપથ લીધા હતા, જેનો ઉદ્દેશ્ય સમાજ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ડ્રગ જાગૃતિ અભિયાન સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવવાનો અને આવનારૂ ભવિષ્ય ઉજ્જવળ કરવાનો એક પ્રયાસ છે. HOF વિવિધ એજન્સીઓ જેવી કે અમદાવાદ પોલીસ, નાર્કોટિક્સ બ્યુરો, તેમજ શિક્ષણ વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને રોટ્રી કલબ ઓફ કોસ્મોપોલિટન અમદાવાદ સાથે મળીને શૈક્ષણિક કાર્યક્રમો, વર્કશોપ, સેમિનાર અને વિવિધ ઇવેન્ટનું આયોજન કરશે, અને અમદાવાદ અને ગાંધીનગરમાં ડ્રગ જાગૃતિ ફેલાવવાનું કામ કરશે.