November 16, 2024

હિંદુઓએ ભાષા, જાતિ સહિતના વિવાદો ખતમ કરીને એક થવું પડશે: મોહન ભાગવત

RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રાજસ્થાનમાં ‘સ્વયંસેવક એકત્રીકરણ’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આરએસએસના વડાએ કહ્યું, ભારત હિન્દુ રાષ્ટ્ર છે. હિંદુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક વિવાદોને ખતમ કરીને પોતાની સુરક્ષા માટે એક થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુઓ દરેકને પોતાના માને છે અને દરેકને ગળે લગાવે છે.

આરએસએસના વડાએ 3 હજાર 827 સ્વયંસેવકોને સંબોધિત કર્યા. RSSના વરિષ્ઠ અધિકારીઓ રમેશ અગ્રવાલ, જગદીશ સિંહ રાણા, રમેશ ચંદ મહેતા અને વૈદ્ય રાધેશ્યામ ગર્ગ સહિત ઘણા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

“હિન્દુઓએ એક થવું જોઈએ”
આરએસએસના વડા મોહન ભાગવતે હિન્દુઓની એકતાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, હિંદુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક અસમાનતાને દૂર કરીને પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. RSS ચીફે જણાવ્યું કે સમાજ કેવો હોવો જોઈએ. તેમણે કહ્યું કે, એવો સમાજ બનવો જોઈએ જ્યાં સંગઠન, સદભાવ અને શ્રદ્ધા હોય. લોકોમાં શિસ્ત હોવી જોઈએ, સાથે સાથે દેશ પ્રત્યેની તેમની જવાબદારીઓને સમજવી જોઈએ અને ઉદ્દેશ્યો પ્રત્યે સમર્પિત હોવું જોઈએ.

મોહન ભાગવતે જણાવ્યું કે સમાજ કેવી રીતે બને છે
મોહન ભાગવતે કહ્યું કે, સમાજ એકલા વ્યક્તિઓ અને તેમના પરિવારોથી બનેલો નથી. પરંતુ વ્યાપક ચિંતાઓને ધ્યાનમાં રાખીને બને છે. આરએસએસની કાર્ય પદ્ધતિ વિચાર આધારિત છે. મોહન ભગતે સ્વયંસેવકોને સમુદાયોમાં સંપર્ક જાળવી રાખવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, સમાજને સશક્ત બનાવીને સમાજની ખામીઓને દૂર કરવાના પ્રયાસો કરવા જોઈએ.

સમાજ માટે મૂળભૂત બાબતો શું છે?
મોહન ભાગવતે કહ્યું કે અમારું ધ્યાન ન્યાય, આરોગ્ય, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર હોવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સ્વયંસેવકોએ હંમેશા સક્રિય રહેવું જોઈએ અને પરિવારોમાં સંવાદિતા, પર્યાવરણીય જાગૃતિ, સ્વદેશી મૂલ્યો અને નાગરિકોની ચેતનાને પ્રોત્સાહન આપવું જોઈએ. જે સમાજ માટે મૂળભૂત બાબતો છે.

ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા વિશે વાત કરતાં આરએસએસ વડાએ કહ્યું કે, ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા તેની તાકાત પર નિર્ભર છે. ઉપરાંત વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા ત્યારે જ સુનિશ્ચિત થાય છે જ્યારે તેમનું રાષ્ટ્ર મજબૂત હોય.