December 23, 2024

કેનેડામાં હિંદુ મંદિર પર ફરી હુમલો, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ શ્રદ્ધાળુઓને માર માર્યો, PM ટ્રુડોએ ઘટનાની કરી નિંદા

Canada: કેનેડામાં હિંદુઓની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. તેમને ત્યાં સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરનો મામલો બ્રામ્પટનનો છે, જ્યાં ખાલિસ્તાનીઓએ બ્રામ્પટનના હિંદુ સભા મંદિર અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે બ્રામ્પટનના હિંદુ સભા મંદિરમાં જે હિંસાની ઘટનાઓ બની તે અસ્વીકાર્ય છે.

તેમણે કહ્યું કે કેનેડામાં રહેતા તમામ નાગરિકો તેમની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. હું પીલ પ્રાદેશિક પોલીસનો હિંદુ સમુદાયના રક્ષણ અને આ ઘટનાની તપાસ કરવા માટે તેમના ત્વરિત પ્રતિભાવ બદલ આભાર માનું છું.

ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ મંદિર પર હુમલો કર્યો
હકીકતમાં, ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ બ્રેમ્પટનમાં હિંદુ સભા મંદિર પર અચાનક હુમલો કર્યો. વિજય જૈન નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે કેનેડાની પીલ પોલીસને જાણ કરી હતી. જૈને કહ્યું પોલીસ ક્યાં છે? હિંદુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓ ભક્તો પર હુમલો કરી રહ્યા છે. જૈને ટ્વિટમાં કેનેડાના પીએમને પણ ટેગ કર્યા છે. આ પછી તરત જ પોલીસ પહોંચી અને મામલો થાળે પાડ્યો.

નીતિન ચોપરા નામના વ્યક્તિએ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે કેનેડામાં હિંસા અને નફરતના કૃત્યો સ્વીકાર્ય નથી. આજે કેનેડાના બ્રામ્પટનમાં ખાલિસ્તાની હિંસક કટ્ટરપંથીઓએ હિંદુ સભા મંદિર પર હુમલો કર્યો હતો. આ સ્થિતિ વધુ કાબૂ બહાર જાય તે પહેલા આને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. શીખ અને હિંદુ સમુદાય આ હિંસાના કૃત્યની નિંદા કરે છે.

આ પણ વાંચો: દિલ્હીની હવા સૌથી વધુ પ્રદૂષિત, આનંદ વિહારમાં AQI 532 તો ઉત્તર ભારતના ચાર શહેરમાં 300 પાર

ખાલિસ્તાનીઓએ લાલ રેખા પાર કરી – ચંદ્ર આર્ય
નેપિયન સાંસદ ચંદ્ર આર્યએ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આજે ખાલિસ્તાની સમર્થકોએ લાલ રેખા પાર કરી છે. હિંદુ સભા મંદિરની અંદર હિંદુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પરનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો ઊંડો બની ગયો છે. ખાલિસ્તાનીઓએ અમારી કાયદા એજન્સીઓમાં સંપૂર્ણ રીતે ઘૂસણખોરી કરી છે.

આ પહેલી ઘટના નથી
કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અનેક મામલા સામે આવ્યા છે. કેનેડામાં વારંવાર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્યારેક મંદિરોની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવે છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત બાદ ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં આવી ગતિવિધિઓ વધારી દીધી છે. જૂન 2023માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ વર્ષે જુલાઈમાં એડમન્ટનમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. ગયા વર્ષે પણ કેનેડામાં હિંદુ મંદિરોમાં તોડફોડના ઘણા કિસ્સા નોંધાયા હતા. લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું. તેના ગેટ અને પાછળની દિવાલ પર ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. તેના પર હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ લગાવવામાં આવી હતી. સરેમાં લક્ષ્મી નારાયણ મંદિર એ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં સૌથી જૂનું અને સૌથી મોટું હિન્દુ મંદિર છે.