January 23, 2025

કેનેડામાં હિંદુ મંદિર પર હુમલાથી ભડક્યા ભારતીય શીખો, દિલ્હીની કેનેડિયન એમ્બેસી બહાર પ્રદર્શન

Hindu Sikh Global Forum Protest: કેનેડામાં હિંદુ મંદિરો પર થયેલા હુમલાના વિરોધમાં રવિવારે દિલ્હીમાં ભારે હોબાળો થયો હતો. લોકોએ દિલ્હીમાં કેનેડિયન એમ્બેસીની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રદર્શનકારીઓ પોલીસ બેરિકેડ પર ચઢી ગયા. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે.

નોંધનીય છે કે, 3 નવેમ્બરના રોજ, ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર મહિલાઓ અને બાળકો સહિત હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો અને તેમના પર લાકડીઓ ચલાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાની નિંદા કરી હતી. આ હુમલાના વિરોધમાં, હિન્દુ શીખ ગ્લોબલ ફોરમના સભ્યો નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનની બહાર પ્રદર્શન માટે એકઠા થયા હતા.

દેખાવકારો ચાણક્યપુરીમાં કેનેડા હાઈ કમિશન તરફ જઈ રહ્યા હતા. પોલીસે તેમને તીન મૂર્તિ માર્ગ પર રોક્યા અને વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ પોલીસ બેરિકેડ પર ચઢી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે તેમને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ માનતા નહોતા.

આ અંગે હિંદુ શીખ ગ્લોબલ ફોરમના પ્રમુખ તરવિન્દર સિંહ મારવાહે જણાવ્યું કે કેનેડામાં થઈ રહેલા હુમલાના વિરોધમાં આ વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી. હિન્દુ અને શીખ સમુદાયને નિશાન બનાવીને ત્યાં આવી ઘટનાઓ બની રહી છે. મંદિરો પર હુમલો કરવો એ ખોટું અને દુર્ભાગ્યપૂર્ણ છે.