December 19, 2024

પાકિસ્તાનમાં હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારી હત્યા, શ્રદ્ધાળુઓ નનકાના સાહિબ જઈ રહ્યા હતા

Nankana Sahib: પાકિસ્તાનના નનકાના સાહિબમાં એક હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ ગુરુ નાનક દેવના 555માં પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન, એક પાકિસ્તાની હિંદુ યાત્રાળુની લૂંટારાઓએ ગોળી મારીને હત્યા કરી હતી.

નનકાના સાહિબ જઈ રહ્યા હતા
માહિતી અનુસાર, મૃતક સિંધ પ્રાંતના લરકાના શહેરનો વતની હતો, જેની ઓળખ રાજેશ કુમાર તરીકે થઈ છે. રાજેશ કુમાર પોતાના મિત્ર અને સંબંધી સાથે કારમાં લાહોરથી નનકાના સાહિબ જઈ રહ્યા હતા. દરમિયાન, લાહોરથી લગભગ 60 કિલોમીટર દૂર માનનવાલા-નનકાના સાહિબ રોડ પર ત્રણ લૂંટારાઓએ તેમનો રસ્તો રોકી દીધો હતો.

લૂંટ બાદ ગોળીઓ ચલાવી હતી
ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, “બંદૂકધારીઓએ ત્રણેય પાસેથી 4.5 લાખ રૂપિયા અને ડ્રાઈવર પાસેથી 10,000 રૂપિયા છીનવી લીધા હતા. જ્યારે રાજેશ કુમારે આનો વિરોધ કર્યો તો લૂંટારાઓએ તેમના પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા.” બુધવારે રાત્રે લૂંટ અને ગોળીબારની ઘટના બાદ રાજેશ કુમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે તેમનું મૃત્યુ થયું હતું.

અજાણ્યા લોકો સામે કેસ નોંધાયો
મૃતક રાજેશ કુમારના સંબંધીની ફરિયાદ પર પાકિસ્તાન પીનલ કોડની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, શુક્રવારે ગુરુદ્વારા જન્મસ્થાન નનકાના સાહિબમાં ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાંથી 2,500 થી વધુ શીખો અને મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી ભક્તોએ પણ તેમાં ભાગ લીધો હતો.