અપહરણ, ઢોર માર માર્યો…. બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની ક્રૂર હત્યા

Bangladesh: બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ હિંસા બંધ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અહીં સમયાંતરે લઘુમતી સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. બળવા પછી ઘણા હિન્દુઓની હત્યા કરવામાં આવી છે અને ઘણા જેલમાં છે. હવે ઉત્તર બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના એક અગ્રણી નેતાનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને નિર્દયતાથી માર મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, હિન્દુ નેતા ભાવેશ ચંદ્ર રોયનું તેમના ઘરેથી અપહરણ થયાના થોડા કલાકો પછી ગુરુવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદના બિરલ એકમના ઉપપ્રમુખ હતા અને આ વિસ્તારના હિન્દુ સમુદાયમાં તેમનો પ્રભાવ હતો.
શું અપહરણકર્તાઓ તેમને ઘરેથી લઈ ગયા હતા?
ભાવેશ ચંદ્ર રોયની પત્ની શાંતાના જણાવ્યા અનુસાર તેઓ ગુરુવારે તેમના ઘરે હાજર હતા અને તેમને સાંજે લગભગ 4:30 વાગ્યે ફોન આવ્યો. તેમણે દાવો કર્યો હતો કે રોય તેમના ઘરે હાજર છે કે નહીં તે જાણવા માટે ફોન કરવામાં આવ્યો હતો. પત્નીએ જણાવ્યું કે તેઓએ તેમનું અપહરણ કર્યું હતું અને નજીકના ગામમાં લઈ ગયા હતા. જ્યાં તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. બાદમાં હુમલાખોરો ભાવેશને એક વાનમાં લાવ્યા અને તેમના ઘરની બહાર ફેંકી દીધા.
પરિવારના સભ્યોએ રોયને ઘરની બહાર પડેલા જોયા કે તરત જ તેઓ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ રોયને મૃત જાહેર કર્યા. આ સમગ્ર મામલે પોલીસે કહ્યું કે અમે આરોપીઓને શોધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે કામ કરી રહી છે.
આ પણ વાંચો: JEE મેન્સ સેશન-2નું પરિણામ જાહેર, બે ગુજરાતીઓએ મારી બાજી
બાંગ્લાદેશમાં પહેલા પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જ્યારે હિન્દુ પરિવારો અને તેમના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે. શેખ હસીના ગયા ત્યારથી બાંગ્લાદેશમાં આવી ઘટનાઓ બની રહી છે. આ પછી પણ ત્યાંની પરિસ્થિતિમાં સુધારો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.