September 20, 2024

‘કોંગ્રેસની રાજનીતિ ટૂલકિટ અને ચીટની રાજનીતિ’: રવિશંકર પ્રસાદના પ્રહાર

Hindenburg Report: હિંડનબર્ગ રિપોર્ટને લઈને દેશમાં રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભાજપના સિનિયર નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષ હાર્યા બાદ ભારતને આર્થિક રીતે બરબાદ કરવાનું ષડયંત્ર કરી રહ્યો છે.

આ પાયાવિહોણા આક્ષેપો છે: પ્રસાદ
હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલ પર ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું, “ભારતના લોકો દ્વારા નકારી કાઢવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી, તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે સાથે મળીને ભારતમાં આર્થિક અરાજકતા અને અસ્થિરતા લાવવા માટેનું કાવતરું ઘડ્યું છે? હિંડનબર્ગ રિપોર્ટ શનિવારે જાહેર થયો. રવિવારે હોબાળો મચી જાય છે જેથી સોમવારે સમગ્ર કેપિટલ માર્કેટ અસ્થિર કરી દેવામાં આવે. શેર્સના મામલામાં ભારત એક સુરક્ષિત, સ્થિર અને આશાસ્પદ બજાર છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘બજારો સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરવાની કાનૂની જવાબદારી SEBIની છે… જ્યારે SEBIએ જુલાઈમાં તેની સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ, જે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી, હિંડનબર્ગ સામે નોટિસ જાહેર કરી હતી. તો તેઓએ તેમના બચાવની તરફેણમાં કોઈ જવાબ આપ્યા વિના આ હુમલો કર્યો છે, આ એક પાયાવિહોણો હુમલો છે.

‘આ એક ટૂલકિટ ગેંગ છે’
રવિશંકર પ્રસાદે કહ્યું, ‘હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ છે. આ એક ટૂલકીટ ગેંગ છે. ષડયંત્ર દ્વારા ભારતની વધતી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શેરબજારને અસ્થિર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બધાએ જોયું છે કે એક ષડયંત્રના ભાગરૂપે આ અહેવાલ શનિવારે જ સામે આવ્યો, જ્યારે બજાર બંધ હોય છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ માર્કેટમાં શું થયું તે તમે બધાએ જોયું હશે.

કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ શું ઈચ્છે છે? શું કોંગ્રેસ ઈચ્છે છે કે ભારતમાં કોઈ રોકાણ ન થાય? ભારતના વિકાસને રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ ભારતને આર્થિક રીતે નબળું પાડવા માંગે છે. તેમણે આગળ કહ્યું, ‘અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમે ભારતને નબળું પડવા દઈશું નહીં.’