International Yoga Day 2024: હિંમતનગરના આધેડની પાણી પર યોગા કરી અનોખી ઉજવણી
હિંમતનગરઃ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે હિંમતનગરના 63 વર્ષીય મહેન્દ્રસિંહ યોગ દિવસ નિમિત્તે પાણીમાં કરતા વિશિષ્ટ યોગના પગલે સમગ્ર વિસ્તારમાં પ્રચલિત છે. તેમજ હાલમાં પણ કેટલાય બાળકોને પાણીમાં યોગ કરાવી વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરે છે.
સાબરકાંઠાના હિંમતનગરના સ્ટેડિયમમાં આવેલા સ્વિમિંગ પૂલમાં 63 વર્ષે મહેન્દ્રસિંહ છેલ્લા કેટલાય વર્ષથી અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરે છે. તેમના મતે યોગ ભારતની આગવી અનોખી શૈલી છે. તેમજ સમગ્ર વિશ્વ માટે મહત્વનો દિવસ છે. પરંતુ ભારત માટે યોગ દિવસ ગૌરવપૂર્ણ બાબત છે. જો કે, જમીન ઉપર કરાવતા યોગથી માનવ શરીરની ચોક્કસતા નક્કી થઈ શકતી નથી, પરંતુ પાણીમાં યોગ કરવાના પગલે દરેક વ્યક્તિને યોગનો અભ્યાસ તેમજ તેના શ્રેષ્ઠ પરિણામો મળી રહે છે.
જમીન ઉપર યોગ કરવાના પગલે શારીરિક-માનસિક વિકાસ અને વૃદ્ધિ થાય છે. પરંતુ પાણીમાં યોગ કરવામાં આવે તો શારીરિક-માનસિક વિકાસની સાથોસાથ કેટલાય શરીરના રોગોમાં પાણીમાં યોગથી વિશેષ લાભ થાય છે. ત્યારે હાલના તબક્કે 63 વર્ષે મહેન્દ્રસિંહ પાણીમાં શીર્ષાસન, પદ્માસન, સવાસન સહિતના કેટલાય યોગ અને પ્રાણાયામ પાણી ઉપર કરી વિશેષ પ્રસિદ્ધિ પામી રહ્યા છે.