January 5, 2025

જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ જ ધુમ્મસ… દિલ્હીમાં આપ્યું ઓરેન્જ એલર્ટ, પહાડી વિસ્તારમાં વરસાદની આગાહી

Delhi: દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસની હાડ થીજવતી ઠંડી પણ છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગે ધુમ્મસને લઈને દિલ્હી-NCR માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 થી 6 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવોથી છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. 5 અને 6 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ગુરુવારે દિલ્હીના સફદરજંગ સ્ટેશન પર સાંજે 5:30 વાગ્યે મહત્તમ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ હતું.

આ પણ વાંચો: AMCની પરીક્ષામાં છબરડાં કરનારા હેડ ક્લાર્કની ધરપકડ, પોલીસે ડેટા કબ્જે કર્યો

દિલ્હી-એનસીઆર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે. નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ, મેરઠમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે હાઇવે પર દોડતા વાહનોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગે ખૂબ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે અને આકાશ આંશિક વાદળછાયું રહેશે. શુક્રવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો અને મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે.