January 16, 2025

ઈઝરાયલ પર હિઝબુલ્લાહનો મોટો હુમલો, ધડાધડ છોડ્યા 150થી વધુ રોકેટ; ઈમરજન્સી લાગૂ

Israel: હિઝબુલ્લાહે ઈઝરાયલ પર મોટા પાયે રોકેટ બેરેજ હુમલો કર્યો છે. ઈઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાએ લગભગ 150 રોકેટ છોડ્યા હતા. હિઝબુલ્લાહ દ્વારા આ હુમલો ઈઝરાયલી સેનાના હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. જેમાં ઈઝરાયલની સેનાએ લેબેનોનમાં હિઝબુલ્લાહ વિદ્રોહીઓની જગ્યાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો.

હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદથી લેબનોનની સરહદે ઈઝરાયલના પ્રદેશ પર સતત સાયરનનો અવાજ સંભળાય છે. આ હુમલા બાદ ઈઝરાયલી સેનાએ સમગ્ર ઈઝરાયલમાં ઈમરજન્સી લાદી દીધી છે. આ પહેલા રવિવારની વહેલી સવારે ઈઝરાયલ લેબનોનની સરહદમાં ઘૂસી ગયો હતો અને હિઝબુલ્લાહની જગ્યાઓને નિશાન બનાવી હતી.

હિઝબુલ્લાહએ જણાવ્યું હતું કે આ હુમલામાં ઈઝરાયલની મુખ્ય સૈન્ય સાઇટને નિશાન બનાવવામાં આવી હતી, જેની જાહેરાત પછીથી કરવામાં આવશે, અને દુશ્મનની ઘણી સાઇટ્સ અને બેરેક અને આયર્ન ડોમ પ્લેટફોર્મને પણ નિશાન બનાવ્યું હતું. “અમે આતંકવાદના માળખાને નિશાન બનાવીએ છીએ. તેઓ નાગરિકોને નિશાન બનાવે છે,” ઈઝરાયલી સૈન્યએ હુમલા પછી ટ્વિટર પર લખ્યું.

લેબનીઝ બળવાખોર જૂથ હિઝબુલ્લાએ રવિવારે સવારે જાહેરાત કરી હતી કે તેણે બેરુતમાં તેના એક કમાન્ડરની હત્યાનો બદલો લેવા માટે મોટી સંખ્યામાં ડ્રોન ફાયર કરીને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં “એક મુખ્ય ઈઝરાયલ લશ્કરી સ્થળ, જેની જાહેરાત પછીની તારીખે કરવામાં આવશે” અને “કેટલીક દુશ્મન સાઇટ્સ અને બેરેક, તેમજ ‘આયર્ન ડોમ’ પ્લેટફોર્મ પર કરવામાં આવી હતી.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં થયેલા હુમલામાં જૂથના ટોચના કમાન્ડર ફવાદ શુક્રની હત્યાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં વિશ્વાસ અને શાંતિ સુનિશ્ચિત કરવી જરૂરી… આર્મી ચીફ જનરલ દ્વિવેદીએ લીધી મણિપુરની મુલાકાત

ઈઝરાયલે હિઝબુલ્લાહની જગ્યાઓને નિશાન બનાવી હતી
અગાઉ, ઈઝરાયલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ઉગ્રવાદી જૂથ ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયલની સેનાએ દાવો કર્યો હતો કે તેઓએ તે ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા જ્યાંથી ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારી થઈ રહી હતી.

રાષ્ટ્રપતિ બાઈડન નજર રાખી રહ્યા છે
સમગ્ર તણાવ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેન ઈઝરાયલ-હિઝબુલ્લાહ તણાવ પર નજર રાખી રહ્યા છે અને ઈઝરાયલના સમકક્ષો સાથે બેઠકો કરી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે અમે ઇઝરાયલના સ્વરક્ષણના અધિકારનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું અને અમે પ્રાદેશિક સ્થિરતા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.