January 4, 2025

આ ઉનાળામાં ગરમીના કારણે થતી ખંજવાળને આ રીતે ઘટાડો

અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ખુબ જ વધી ગયો છે. આ સાથે સ્કિન સંબંધિત સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ગરમીમાં બહું વધારે પસીનો આવવાના કારણે સ્કિન પર બેક્ટેરિયા બનવા લાગે છે. જેના કારણે સ્કિન પર લાલાશ પડવી, ખંજવાળ આવવા જેવી સમસ્યાઓ થાય છે. જે તમે પણ આ સમસ્યાથી પીડાતા હો તો તમે કેટલીક હોમ રેમેડીનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

ચંદન પાવડર અને મુલતાની માટી
ફોલ્લીઓ અને ગરમીના ચકામાથી બચવા કે રાહત મેળવવા માટે મુલતાની માટીને જરૂર મુજબ પાણીમાં પલાળી રાખો. એકથી દોઢ કલાક પછી તેને પાણીમાંથી બહાર કાઢી લો અને તેમાં એક ચમચી ચંદન પાવડર નાખીને મિશ્રણને સારી રીતે પેક તૈયાર કરો. તમે આ પેકનો ઉપયોગ તમારા આખા શરીર તેમજ તમારા ચહેરા પર કરી શકો છો. મુલતાની માટી અને ચંદનની ઠંડક તમને તાજગીનો અહેસાસ આપે છે અને ગરમીના ચકામાથી રાહત આપે છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી લડી રહેલા યુ-ટ્યૂબરને મહિલાઓએ કરાવ્યું દૂધસ્નાન

લીમડો 
ગરમીમાં ફોલ્લીઓ જેવી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લીમડો સૌથી અસરકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. ગરમીથી બચવા માટે તમે દરરોજ લીમડાના પાણીથી સ્નાન કરી શકો છો. આ સિવાય તેનું તેલ અને પાંદડાની પેસ્ટ અસરગ્રસ્ત જગ્યા પર લગાવવાથી આરામ મળે છે.

ખાવાનો સોડા
જો તમને ગરમીમાં શરીર પર લાલ ચાઠ્ઠા થઈ જાય છે તો એક બાઉલમાં બે ચમચી ખાવાનો સોડા લો અને તેને પાણીમાં ઓગાળી લો. આ પાણીને ફોલ્લીઓવાળી જગ્યાઓ પર લગાવીને થોડા સમય માટે રહેવા દો. થોડા સમય બાદ ત્વચાને સામાન્ય પાણીથી સાફ કરો. આ ઉપાય એક-બે દિવસમાં પણ ઘણી રાહત આપે છે.