November 24, 2024

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 જાહેર, દુનિયાના શક્તિશાળી પાસપોર્ટમાં શું છે ભારતનું સ્થાન?

Most Powerful Passports: દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટને લઈને તાજેતરમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે જાહેર કરવામાં આવેલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 (Henley Passport Index-2024)માં 199 દેશોના પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સિંગાપોર ટોચ પર છે. સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. અહીંના નાગરિકો વિશ્વના 227 સ્થળોમાંથી 195 સ્થળોએ વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે.

ઇન્ડેક્સમાં શું છે ભારતનું રેન્કિંગ?
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટનો રેન્ક ઘટ્યો છે. ભારતીય પાસપોર્ટને 82મો રેન્ક મળ્યો છે. ભારતીય નાગરિકો 58 ફોરેન ડેસ્ટિનેશન પર વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે. ભારતે ગત વર્ષે આ ઇન્ડેક્સમાં સારું પ્રદર્શન કરીને 61 વિઝા ફ્રી ડેસ્ટિનેશન સાથે 81મો રેન્ક મેળવ્યો હતો. આમ, ભારતનો રેન્ક, ગત વર્ષની સરખામણીમાં એક અંક ઘટી ગયો છે. તો, પાકિસ્તાનના પાસપોર્ટે દરવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. 103 સુધીના રેન્ક લિસ્ટમાં પાકિસ્તાનને 100મો રેન્ક મળ્યો છે. પાકિસ્તાનના નાગરિકો 33 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે. લિસ્ટમાં પાકિસ્તાનની નીચે યમન, ઈરાક, સિરીયા અને સૌથી છેલ્લો રેન્ક અફઘાનિસ્તાનને મળ્યો છે.

ટોચના 5 દેશો
સૌથી શક્તિશાળી પાસપોર્ટના લિસ્ટમાં સિંગાપોર બાદ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને સ્પેનનો સમાવેશ થાય છે. આ દેશોના નાગરિકો 192 ટ્રાવેલ ડેસ્ટિનેશન પર વિઝા ફ્રી એન્ટ્રી સાથે શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં બીજા ક્રમે છે. ત્રીજા સ્થાને 191 વિઝા ફ્રી ટ્રાવેલ ડેસ્ટિનેશન સાથે ઑસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન છે. લિસ્ટમાં ચોથા ક્રમે 190 191 વિઝા ફ્રી ટ્રાવેલ ડેસ્ટિનેશન સાથે બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટન છે. તો, પાંચમા સ્થાને 189 191 વિઝા ફ્રી ટ્રાવેલ ડેસ્ટિનેશન સાથે ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલનો સમાવેશ થાય છે.

આ રીતે તૈયાર થાય છે લિસ્ટ
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ વિશ્વના પાસપોર્ટને વિઝા ફ્રી એન્ટ્રીના આધારે માપીને રેન્ક આપે છે. એટલે કે, જે દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને તમે સૌથી વધુ ડેસ્ટિનેશન પર વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકો છે તે દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ માનવામાં આવે છે. આ ઈન્ડેક્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી મળેલા એક્સક્લુઝિવ ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.