December 19, 2024

Loksabha Election Result 2024: હેલો નીતિશ બાબુ! ભાજપ સીટોના જુગાડમાં લાગી; TDP અને LJPને કર્યા ફોન

BJP Seats 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવવા લાગ્યા છે. જોકે, ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવવાથી દૂર છે અને એનડીએની ગાડી પણ 300 પાર પર અટકી ગઇ હતી. દરમિયાન એવા સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલુગુ દેશમ પાર્ટી એટલે કે TDP ચીફ ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો છે. ખાસ વાત એ છે કે ટીડીપી પણ આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીતના માર્ગે છે અને એનડીએનો ભાગ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે બંને નેતાઓ વચ્ચે શું વાત થઇ છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા ચંદ્રબાબુ એનડીએમાં પરત ફર્યા હતા. બીજેપી આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણની જનસેના અને ટીડીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. એવા અહેવાલો છે કે ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ સિવાય પીએમ મોદીએ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ અને જનતા દળ (યુનાઈટેડ) સાથે પણ વાત કરી છે.

હાલની સ્થિતિ શું છે
ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECIના તાજેતરના ડેટા અનુસાર, હાલમાં ભાજપ 237 બેઠકો પર આગળ છે અને 2 બેઠકો પર જીત મેળવી છે. તો બીજી બાજુ કોંગ્રેસ 99 બેઠકો પર આગળ છે. 543 બેઠકોની સંસદમાં બહુમતી મેળવવા માટે 272ના આંકડાને સ્પર્શ કરવો જરૂરી છે. શરૂઆતના વલણોમાં પાછળ રહ્યા બાદ વિપક્ષી ગઠબંધને વાપસી કરી હતી.