January 24, 2025

ધાર્મિક યાત્રાળુઓ માટે ખુશખબર, સસ્તી થશે હેલિકોપ્ટર સેવા: GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

GST Council: સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં, મહત્વનો નિર્ણય લઈને ધાર્મિક તીર્થયાત્રા કરનારા લોકો માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે. બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ધાર્મિક યાત્રા પર જતા લોકોએ હેલિકોપ્ટર સેવાનો લાભ લેવા પર 18 ટકાના બદલે માત્ર 5 ટકા GST ચૂકવવો પડશે. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે આ મામલે માહિતી આપી છે.

ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં ધાર્મિક પ્રવાસન વધશે
પ્રેમચંદ અગ્રવાલે જણાવ્યું કે તેમના તરફથી આ માંગ કરવામાં આવી હતી. GST કાઉન્સિલે આજે આને મંજૂરી આપી છે. તેનાથી ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોને ઘણો ફાયદો થશે. ઉપરાંત ધાર્મિક પ્રવાસન પણ વધશે. તેમણે કહ્યું કે કેદારનાથ અને બદ્રીનાથ જેવા દુર્ગમ વિસ્તારો સુધી પહોંચવા માટે વૃદ્ધોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમની સુવિધા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી હેલિકોપ્ટર સેવા પર 18 ટકા GST લાગતો હતો. જો કે હવે માત્ર 5 ટકા GST લાગવાથી લોકોને હેલિકોપ્ટરથી મુસાફરી કરવા માટે ઓછા પૈસા ચૂકવવા પડશે. આમાં, શેરિંગ હેલિકોપ્ટર સેવા લેવા પર, તમારે 5% ટેક્સ ચૂકવવો પડશે અને ચાર્ટર્ડ સેવા લેવા પર, તમારે 18% GST ચૂકવવો પડશે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી – ગુજરાત પર ફરીથી આવશે વરસાદી સંકટ

સંશોધન ગ્રાન્ટ પર GSTનો મુદ્દો ફિટમેન્ટ કમિટીને મોકલાયો
તેમણે વધુમાં કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંશોધન માટે મળતી અનુદાન પર GSTનો મુદ્દો હાલમાં ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે. સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ GST કાઉન્સિલ આ અંગે નિર્ણય લેશે. આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ પર GSTનો મામલો પણ ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે. આ મુદ્દે ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. GST કાઉન્સિલની 54મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી હવે પછી આપવામાં આવશે. GST કાઉન્સિલની છેલ્લી બેઠક 22 જૂન, 2024ના રોજ મળી હતી. આ કમિટીમાં કેન્દ્રીય નાણામંત્રી ઉપરાંત તમામ રાજ્યોના નાણામંત્રી સામેલ છે.