December 17, 2024

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં નવા નીરની આવક, 10 દરવાજા ખોલાયા

તાપી: તાપી જિલ્લાની જીવાદોરી સમાન માનવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતાં ઉકાઈ ડેમનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે

મળતી માહિતી મુજબ, હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 1,23,700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત વધતી આવકને જોતાં ડેમના 10 દરવાજા 6.5 ફૂટ ખોલીને પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ભરપૂર પાણીની આવકની સામે ડેમ માંથી 1,23,700 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

વધુમાં, હાલ ઉકાઈ ડેમની જળસપાટી 335.10 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ પહોંચ્યું છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.