July 7, 2024

બનાસકાંઠાના દાંતા અને પાલનપુરમાં ધોધમાર વરસાદ, હોસ્પિટલ અને ઘરોમાં ઘૂસ્યા પાણી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: રાજ્યમાં આજે સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે દાંતાની આસપાસના ગામડાઓ અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યાં જ બનાસકાંઠાના વડગામ અને પાલનપુરમાં 2-2 ઇંચ વરસાદ વરસાદ વરસ્યો છે. દાંતા પંથકમાં બે કલાકમાં જ ધોધમાર 4 ઇંચ વરસાદ વરસતા દાંતાની રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે જેના કારણે હોસ્પિટલમાં રહેલા દર્દીઓે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ધોધમાર વરસાદના પગલે અહીં એમ્બ્યુલન્સની જગ્યાએ દર્દીઓને ટ્રેક્ટરમાં બેસી હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

માત્ર બે કલાકમાં જ ધોધમાર વરસાદ ખાબકી જવાના કારણે પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે. હાલમાં હાઇવે પર કેડસમા પાણી ભરાયા છે. પાલનપુર-અંબાજી હાઇવે કેડસમા પાણી ભરાવાના કારણે કેટલાક વાહન ચાલકો અટવાયા છે. ત્યાં જ વીરપુર પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા છે જેના કારણે કેટલાક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા છે.

પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ શહેર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ધોધમાર વરસાદના કારણે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ત્યાં જ મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.મફતપુરા, હુસેન પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઢીંચણસમા પાણી વચ્ચે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબુર બન્યા છે.

પાલનપુરમાં ધોધમાર વરસાદને પગલે તારાજીની સ્થિતિનું નર્માણ થયું છે. પાલનપુરનો કીર્તિસ્થંભ વિસ્તાર બેટમાં ફેરવાયો છે અહીં જાહેર રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. જાહેર રસ્તા ઉપર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. પ્રથમ વરસાદમાં જ પાલનપુરની આ સ્થિતિને લઈ પાલિકાની પોલ ખુલી ગઈ છે.