December 27, 2024

અમરેલી, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, અનેક ગામો બેટમાં ફેરવાયા

Gujarat Monsoon: અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદને પગલે અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે તો અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
આજે, અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘીમીઘારે વરસાદ નોંધાયો છે. શહેરમાં ઘીમીઘારે વરસાદ પડતા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે સારો વરસાદ થતાં ઘરતી પુત્રો ગેલમાં આવી ગયા હતા.

વડીયા પંથકમાં 22 મીમી વરસાદ 
બીજી બાજુ, અમરેલીના વડીયા પંથકમાં ધોધમાર વરસાદ થયો હતો. વડીયા શહેર સાથે ગ્રામ્ય પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ થતાં રસ્તા પર નદીઓ વહેતી જોવા મળી હતી. વડીયાના દિવાળકી ગામે ધોધમાર વરસાદની સાથે સાથે બરવાળા, બાવળ, ઉજળા, ખાન ખીજડીયા ગામે વરસાદ થયો હતો. વડીયા શહેરમાં 22 મી.મી. વરસાદ નોંધાયો હતો.

મહુવાના બગદાણામાં જામ્યો વરસાદી માહોલ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે, બગદાણા પંથકના જુદા જુદા ગામડાઓ જેવા કે ખારી, ગળથર, જાંબુડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી થયો છે. બે દિવસના વિરામ બાદ ફરી આ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. સારા વરસાદના કારણે વાવણી કરાયેલા ખેતરમાં પાકને વધારે ફાયદો મળશે. ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી હતી. વરસાદને પગલે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી.

ઘોઘાના મોરચંદ ગામે કોઝવેમાં કાર તણાઇ 
તો સાથે સાથે, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો હતો. મોરચંદ ગામ પાસે કોઝવેમાં એક કાર તણાઈ ગઈ હતી. જોકે કારમાં સવાર પતિ-પત્ની પણ કાર સાથે તણાયા હતા. પરંતુ સદનસીબે સ્થાનિકોએ બંનેને બચાવી લીધા હતા.